ગુજરાતમાં એશિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલમાં જ આયુષ્માન કાર્ડ નથી ચાલતું? ફરિયાદ મળતા MLA દોડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/નડિયાદ: હાલના સમયમાં હોસ્પિટલની સારવાર ખૂબજ મોંઘી થઈ રહી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા નાગરીકોને આરોગ્યની સેવા મળી શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. છતાં કેટલીય હોસ્પિટલ આવી યોજનાઓની અમલવારી કરવામાં આનાકાની કરતા હોય છે. એમાય જો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જ આવું કરતી હોય ત્યારે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થાય છે. આજે ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલી એશિયાની સૌથી પ્રખ્યાત કિડની હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સ્વીકારાતું ન હોવાને લઈને વિવાદ સર્જાયો હતો. જોકે આ મામલો નડિયાદના ધારાસભ્ય સુધી પહોંચતા ધારાસભ્ય પંકજભાઇ દેસાઈ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાર બાદ હોસ્પિટલના સંચાલકો એ આયુષ્માન કાર્ડ અમલી કરવા અંગેની મૌખિક બાંહેધરી આપી હોવાની પંકજ દેસાઈ એ જણાવ્યુ છે.

સરકારી યોજના શરૂ કરી, પણ હોસ્પિટલો અમલ નથી કરતી
હાલમાં રાજ્યસરકાર દ્વારા તમામ જરૂરીયાતમંદ નાગરીકોને આરોગ્યની સેવા વિનામુલ્યે મળી શકે એ માટે આયુષ્યમાન કાર્ડ યોજના શરૂ કરી છે. પરંતુ ટ્રસ્ટ સંચાલિત ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલી એશિયાની સૌથી મોટી અને પ્રખ્યાત મૂળજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલ એટલે કે કિડની હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સ્વીકારવામાં આવતા ન હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદ નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઈ સુધી પહોંચ્યો હતો. જેને લઈને આજે પંકજભાઇ દેસાઈ કિડની હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને શા માટે આ કાર્ડ સ્વીકારવામાં નથી આવતું તે અંગે રજુઆત કરી હતી. સાથે જ દર્દીઓને સરકારી યોજનાનો લાભ મળે તે માટે ઘટતું કરવા માટે અપીલ કરી હતી. ત્યારે ધારાસભ્યની વાતને માન્ય રાખીને સંચાલકો દ્વારા ઘટતું કરવાની બાંહેધરી આપવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

ધારાસભ્ય ફરિયાદ મળતા દોડ્યા
આ અંગે હોસ્પિટલમાં રજુઆત કરવા ગયેલા નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઈએ જણાવ્યુ કે, “મૂળજીભાઈ યુરોલોજિકલ હોસ્પિટલ એ એશિયાની બેસ્ટ હોસ્પિટલ છે. અને આની અંદર કિડનીના જે કોઈ મોટા કે નાના અથવા તો કિડનીના જે ડીસીસ હોય એની અહીંયા યોગ્ય રીતે સારવાર મળતી હોય છે. સ્વાભાવિક છે કે આ સારવાર ખૂબ જ મોંઘી હોય છે. અને મેં અગાઉ પણ ઘણીવાર આ સારવાર લોકોને મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને આયુષ્માન કાર્ડનો લાભ મળે એના માટે રજૂઆતો કરી છે. એનો અત્યાર સુધીને અમલ થયો નથી. અને આજે એમને ફરીથી પત્ર દ્વારા એમના જે ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટીઓને જાણ થાય અને આ સારવાર આયુષ્માન ભારતમાં ચાલુ થાય એના માટે મેં રજૂઆત કરેલી છે. અને આયુષ્માન કાર્ડ અહીંયા શરૂ થાય તો અહીંયા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો 10 લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાતની અંદર જે નવું ઇલેક્શન હતું એની અંદર પાંચ લાખ ઉમેરીને જે જાહેરાત કરી હતી.

ADVERTISEMENT

તો હવે દસ લાખ રૂપિયા આયુષ્માન કાર્ડની અંદર સારવાર માટે દર્દીઓને મળવાના છે. તો સ્વાભાવિક છે કે આણંદ અને ખેડાના દર્દીઓ પણ આ હોસ્પિટલનો લાભ લઈ શકે છે. એને પણ બહાર ન જવું પડે અને ગુજરાતનો કોઈપણ દર્દી હોય કે બહારનો કોઈ પણ દર્દી હોય એને જે આયુષ્માન કાર્ડની અંદર જે રાહત મળતી હોય છે એ રાહત મળે એના માટે થઈને અહીંયા મેં આજે રજૂઆત કરી છે. મને નવા એડમિનિસ્ટ્રેટર જે આયા છે એમણે ખૂબ જ સારો રિસ્પોન્સ પણ આપ્યો છે. અને એમણે કહ્યું છે કે, અમે તરત એપ્લિકેશન કરીને અને આયુષ્માન કાર્ડમાં જોડાઈશું.

ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર પ્રાઈવેટ હોસ્પિટલ જેવી મોંંઘી
ઉલ્લેખનીય છે કે, નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ એટલે કે કિડની હોસ્પિટલ ટ્રસ્ટની હોસ્પિટલ છે. છતાંય આ હોસ્પિટલની તમામ સારવાર ખૂબ જ ઊંચા દરની છે. જે દર્દીઓના સ્વજનો પોતાના દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે આ હોસ્પિટલમાં આવતા હોય છે. જોકે સામાન્ય વ્યક્તિને આ હોસ્પિટલનો ખર્ચ પોસાય તેમ જ નથી. અને આ હોસ્પિટલમાં સરકારી સહાયનો લાભ પણ મળતો ન હોવાથી અનેક દર્દીઓ સારી સારવારથી પણ વંચિત રહી જાય છે. એક તરફ કિડનીની બિમારીથી પીડાતા દર્દીઓને આયુષ્યમન કાર્ડ એક સંજીવની સમાન બની રહી છે. ત્યારે આવી ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલ ખૂબ મોટા આરોગ્યના ખર્ચ સાથે સરકારી સુવિધાઓ પણ ન આપી આરોગ્યની સેવાથી વંચિત રાખી રહી છે.

ADVERTISEMENT

કેમ કાર્ડ નથી લેતી હોસ્પિટલો?
આરોગ્યની સેવા આપતા ડૉકટર સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકાર જલ્દીથી આવી યોજનાઓના બીલ જ ચૂકવતી નથી. હજીય કોરોના સમયના બીલ પેન્ડીંગ પડ્યા છે. 50% રકમ પણ માંડ મળી છે. જેને લઈને કદાચ આવી હોસ્પિટલ સરકારી યોજનાઓનો અમલ નથી કરતી. જોકે નડિયાદની કિડની હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલીત છે, જેમા પ્રાઈવેટ હોસ્પિટલ કરતા ઓછા દરે આરોગ્યની સેવાનો લાભ મળવો જોઈએ, ત્યારે આ હોસ્પિટલ દર્દીઓની સેવા માટે કામ કરે તેવી પણ જાગૃતજનો માંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT