SURAT માં કાદવનો હાહાકાર! સોસાયટીઓમાં પાણી નહી કાદવ ભરાઇ જતા અધિકારીઓ દોડતા થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, જો કે સુરતમાં આ પ્રોજેક્ટના કારણે વરાછા વિસ્તારમાં રહેતા રહીશોની સ્થિતિ કફોડી થઇ છે. વરાછામાં આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં એકાએક કાદવ ભરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ઘરના નળ-ગટર કે કોર્પોરેશન સાથે જોડાયેલી કોઇ પણ પાઇપમાંથી હાલ માત્ર કાદવ જ આવી રહ્યો છે. જેના પગલે આખી સોસાયટીઓમાં કાદવ જ કાદવ જોવા મળી રહ્યો છે.

મેટ્રોના અધિકારીઓ દોડાદોડ ઘટના સ્થળે પહોંચ્યા
મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ ચલાવી રહ્યા છે. જો કે મેટ્રોના અધિકારીઓ પણ કાદવનું કારણ સમજી નથી શકતા. હાલ તો મેટ્રોના માણસો ઘરમાં રહેલો કાદવ કિચડ સાફ કરવામાં લાગી ગયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, મેટ્રોના કારણે જ આ કાદવની સમસ્યા થઇ છે.

હીરાબાગ સર્કલ નજીકની સોસાયટીઓમાં કાદવ
વરાછામાં આવેલા હીરાબાગ સર્કલ નજીકની વિઠ્ઠલનગર સોસાયટી આવેલી છે. એક તરફ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ આ સોસાયટીમાં એકાએક અનેક સ્થળોએ ઘુંટી ડુબી જાય તેટલો કાદવ ભરાઇ જતા રહીશોનું રહેવું મુશ્કેલ બન્યું છે. ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ સોસાયટીના મેનહોલમાંથી પણ કાદવ નિકળીને ઘરમાં જઇ રહ્યો છે. ગટરમાંથી નિકળી રહેલા કાદવના કારણે લોકો ગંદકીથી તો પરેશાન છે જ સાથે સાથે બદબુના કારણે શ્વાસ લેવા પણ મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત અહીં કોઇ રોગચાળો ફાટી નિકળે તેવી પણ ભીતિ સેવી રહ્યા છે. પહેલાથી જ બેવડી ઋતુનો માર સહી રહેલા લોકોને હવે આ કાદવની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT