સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણઃ મોરબી દુર્ઘટનાને લઈને ઠેરઠેર શ્રદ્ધાંજલિ-કેન્ડલ માર્ચ યોજાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ મોરબીના કેબલ બ્રીજના તૂટી જવાને કારણે 140થી વધુ લોકોના અકાળે મોત નિપજ્યા છે. આ ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશ દુનિયામાં લોકોને દુઃખી કર્યા છે. આ ઘટનાને કારણે લોકોમાં શોકનો માહોલ છે. ગુજરાત ભરમાં જાણે હાલ શોકનું વાતાવરણ હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ઠેરઠેર લોકો આ ઘટનામાં મૃતકોના ન્યાયની માગણી અને તેમના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કરી રહ્યા છે.

હવે ત્યાં મોતના માતમ સિવાય કશું નથી
મોરબીમાં ઝુલતા પુલ ક્ષણભરમાં તૂટીને નીચે પડ્યો, કલાકો સુધી લોકોની ચીચીયારીઓ અને રાહત કાર્યો ચાલ્યા, હજુ ઘણા દિવસો સુધી તપાસ ચાલશે અને ખબર નથી ક્યાં સુધી મૃતકોને ન્યાય મળશે. ઓરેવા કંપની દ્વારા આ પુલના સમારકામનું કામ કરવામાં આવ્યું હતું. જોકે થોડા દિવસ પહેલા જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકી દેવાયો હતો. બ્રિજને ખુલ્લો મુકતા પહેલા કંપની કે તંત્ર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટની રાહ પણ જોવાઈ ન હતી અને પાછું એટલાથી ઓછું હોય તેમ બ્રિજની કેપેસિટિ કરતાં વધુ લોકો બ્રિજ પર હતા. દરમિયાન કેટલાક મસ્તિખોર લોકો દ્વારા બ્રિજને આમ તેમ હલાવી મસ્તી પણ કરવામાં આવી રહી હતી તેવા આરોપો કેટલાક લોકો દ્વારા લગાવાયા છે. લોકો રવિવારની સાંજે પરિવાર સાથે અહીં ફરવા આવ્યા હતા, હસ્તા હતા. ફોટો પડાવતા હતા, સેલ્ફી લેતા હતા તો કોઈ માહોલને માણી રહ્યું હતું. ઘણું બધું હતું તે બ્રીજ પર રવિવારની સાંજે પરંતુ અચાનક પુલ તુટતાની સાથે ત્યાં હવે મોતના માતમ સિવાય કશું જ નથી.

ADVERTISEMENT

ઠેરઠેર શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ
આ ઘટનાએ ગુજરાતને રડાવી દીધું. આ ઘટનાને પગલે ખેડા કોંગ્રેસ દ્વારા નડિયાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ, નડિયાદ શહેર કોંગ્રેસ અધ્યક્ષ અને અન્ય કોંગ્રેસના કાર્યકરોએ મળીને અહીં સંતરામ મંદિર પાસે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ મોડાસા ચાર રસ્તા પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૃતકોની આત્માઓને શાંતિ માટે પ્રાથના કરી હતી. મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો પણ જોડાયા હતા. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી એપીએમસીમાં પણ મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અને પ્રાથના સભા યોજવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય ધીરુ ભીલે પણ હાજરી આપી હતી. તેમણે આ દરમિયાન દોષિતો સામે કડક પગલા લેવાય તેવી માગ કરી હતી અને તંત્રને સવાલ કર્યા હતા કે કેમ ઘટના પછી જ જાગે છે અને તપાસની વાતો કરે છે. પહેલાથી કાળજી કેમ લેવાતી નથી. ગોધરામાં પણ યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલમાર્ચ અને મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. બાયડ, અમરેલીસ સહિત ગુજરાતમાં ઠેરઠેર આવા કાર્યક્રમો થયા છે.

(વીથ ઈનપુટ, નરેન્દ્ર પેપરવાલા, નર્મદા, શાર્દુલ ગજ્જર, ગોધરા અને હેતાલી શાહ, નડિયાદ, હિતેશ સુતરિયા, અરવલ્લી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT