મચ્છુમાં ‘કાના’ની છલાંગ, ભાજપને મોરબીમાં તરાવશે કે ડૂબાડશે? કાંતિ અમૃતિયાને મળી ટિકિટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીમાં બનેલી દુર્ઘટનાની અસર સ્વાભાવીક રીતે ભાજપને મોરબીમાં પડે તેવા ગણિત મંડાઈ રહ્યા છે. જોકે આફતના સમયામાં ભાજપને ખબર છે કે શું કરવું. આ ઘટના વખતે ભાજપના અગ્રણી કાંતિ અમૃતિયા પાણીમાં કુદી પડ્યા હતા અને ઘણા લોકોના જીવ બચાવવામાં તેમણે મદદ કરી હતી. જેનો વીડિયો લગભગ જ કોઈ મોરબીમાં બાકી હશે કે જેણે ન જોયો હોય. આમ તો મોરબી પર મંત્રી બ્રિજેશ મેરજાનો હક બનતો હતો પરંતુ આ ઘટના પછી બધા ગણિત ફરી ગયા હતા. હવે સ્થિતિ એવી હતી કે કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરજાને પડતા મુકવા પડે અને જ્યાં લોકોના જીવ બચાવવા કુદી પડેલા ભાજપના કાંતિ અમૃતિયા ઉર્ફે કાનાભાઈને ટિકિટ આપવી જ રહી. ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે.

મચ્છુ ડેમથી લઈ ઝુલતા પુલમાં અમૃતિયા દોડી ગયા
મોરબીની બેઠક પર બ્રિજેશ મેરજાને પડતા મુકીને 65 નંબરની આ બેઠક ભાજપે આગામી ચૂંટણી માટે કાંતિ અમૃતિયાના હવાલે કરી છે. જોકે વાત એવી છે કે, જ્યારે તેઓ મોરબીની ઘટના બની ત્યારે ત્યાં દોડી ગયા હતા અને રાહત કાર્યોમાં જોડાઈ ગયા હતા. પાણીમાં પોતે ઉતરી લોકોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ સમય પછી તેઓ નરેન્દ્ર મોદીના માનસ પર ફીટ બેસી ગયા હતા. મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં 135 લોકો માર્યા ગયા અને તે ઘટનાની ટીલી ભુંસવા માટે કાંતિ અમૃતિયા એક માત્ર ચહેરો ભાજપને દેખાય તેવો હતો. કારણ કે કાંતિ અમૃતિયા ભાજપ માટે નાનું નામ નથી. મોરબીમાં અગાઉ જ્યારે મચ્છુ ડેમની હોનારત થઈ ત્યારે રાહત કાર્યોમાં તેઓ ખુબ જ નાની વયે કામ પર લાગ્યા હતા. તે સમય પછી હાલ પણ તેમણે 60 વર્ષે આવી જ એક ઘટનામાં લોકોને મદદ કરવાનું કામ કર્યું હતું.

કાંતિ અમૃતિયાની રાજકીય સફર
સ્થાનિક તંત્ર આવે તે પહેલા જ લોકોને બચાવવાની કામગીરીમાં જોડાઈ ગયેલા કાંતિ અમૃતિયાને સ્થાનિકો કાનાભાઈ તરીકે પણ ઓળખે છે. મોરબીના જેતપર જિલ્લામાં જન્મેલા કાંતિલાલ શિવલાલ અમૃતિયા સામાન્ય પરિવારમાંથી આવે છે. મોરબીની વીસી ટેક્નીકલ હાઈસ્કૂલમાંથી પાસ થઈને તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યાંથી તેમની રાજકીય કારકીર્દી શરૂ થઈ હતી. પહેલી વખત તેઓ 95માં મોરબીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ તે જીત હતી જ્યારે ભાજપ માટે એક ધારાસભ્યની જીત પણ ઘણું મોટું મહત્વ ધરાવતી હતી. વર્ષ 2012 સુધી તેઓ સતત ધારાસભ્ય રહ્યા. જ્યારે શંકરસિંહે બળવો કર્યો ત્યારે પણ તેઓ ભાજપ સાથે વફાદાર રહ્યા હતા. 2017 વિધાનસભામાં અહીં બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા અને પછી પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયા જેના પછીની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી જીતીને તેઓ ફરી 2020માં ધારાસભ્ય બન્યા હતા. જોકે મોરબીમાં બ્રિજની ઘટના પછી ભાજપ માટે મોરબી બેઠકનો એક માત્ર ચહેરો કે જે પ્રજાનો વિશ્વાસ ફરી જીતી લાવે તે કાનાભાઈ બની ગયા છે.

ADVERTISEMENT

કોંગ્રેસ-AAPને માંથુ ખંજવાળવા જેવું
હવે જોવું એ રહ્યું કે ભાજપે ખેલેલો આ દાવ ભાજપ માટે કેટલો ફળદાયી બને છે કારણ કે અક તરફ લોકોની પીડા છે તો બીજી તરફ તે પીડા વખતમાં કામ આવેલા કાંતિ અમૃતિયા છે. દુર્ઘટનાથી નારાજ લોકો માટે હવે અસમંજસ એવી છે કે મોરબીની ઘટનાને લઈ દાઝ રાખીને ભાજપને ધુતકારવી કે પછી કાંતિ અમૃતિયાએ તે વખતે કરેલી મદદને ધ્યાને રાખીને તેમનો ખુલ્લા દીલથી આવકાર કરવો. જોકે જે પણ હોય તે મતદારો જ નક્કી કરશે પણ અહીં સ્થિતિ એવી છે કે ભાજપનો આ દાવ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને અહીં માંથુ ખંજવાડવા જેવી સ્થિતિ લઈને આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT