ગુજરાતના એ ધુરંધર ધારાસભ્યો જેઓ એક-બે નહીં પણ 6થી 7 વખત ચૂંટાયાઃ પાર્ટી સામે પણ બાંયો ચઢાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને હવે બહુ દિવસો બાકી નથી. ગુજરાતમાં ઘણી રાજકીય પાર્ટીઓએ નવા ચહેરાઓને મહામ્ય આપ્યું છે પરંતુ જુના જોગીઓની વાત પણ અહીં કરી લઈએ. ગુજરાતમાં એવા પણ ઉમેદવારો છે જેમની બેઠકો બદલવા, પક્ષ બદલવા છતા પણ સતત ચૂંટાતા આવ્યા છે. તેમની લોકપ્રિયતા પર નેતા, કાર્યકર તો ઠીક પક્ષ અને નવા ઉમેદવારો પણ આંગળી કરી શકે નહીં તેવી છે. આ ઉમેદવારો એક બે નહીં પરંતુ છથી સાત વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે.

યોગેશ પટેલ
આવા જ ઉમેદવારોની વાત કરીએ તો માંજલપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર આ વખતે લડી રહેલા યોગેશ પટેલ. યોગેશ પટેલ વડોદરાના રાજકીય નેતાઓમાં સૌથી લોકપ્રિય નેતામાં સ્થાન પામનારા નેતા છે. યોગેશ પટેલ વર્ષ 1990માં રાવપુરા બેઠકથી પહેલી વખત ચૂંટણી લડ્યા હતા ત્યારથી અત્યાર સુધી સતત 7 ટર્મ સુધી તે ચૂંટાઈ આવ્યા છે. હવે તેઓ વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે તેમની ટિકિટ કાપવાના ઘણા પ્રયત્નો થયા પરંતુ રાવપુરા પછી હવે તેમને છેલ્લી ઘડીએ ભાજપે માંજલપુર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ અગાઉ 5 વખત રાવપુરા અને 2 વખત માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે અને જીતી બતાવ્યું છે.

ADVERTISEMENT

છોટુ વસાવા
આ પછી ઝઘડિયા બેઠકના ધારાસભ્ય તરીકે 7 વખત ચૂંટાયેલા છોટુ વસાવાની વાત કરીએ તો તેઓના પિતા અને સસરા પણ રાજકીય નેતા રહેલા છે. તેઓ બીટીપી પક્ષના આ વખતના ઝઘડિયા બેઠક પરના ઉમેદવાર તો છે જ ઉપરાંત કોંગ્રેસ સાથે પણ ગઠબંધનમાં બેસી ચુકેલા છે. તેઓ 1985માં સૌથી પહેલા ચૂંટણી લડ્યા હતા પરંતુ 1990માં તેઓ જનતા દળની ટિકિટ પરથી પહેલી વખત જીત્યા હતા. તે પછીથી તો જાણે તેમનો સુરજ કદી આથમ્યો જ નથી. તેઓ સતત આ બેઠકના ધારાસભ્ય રહ્યા છે. સ્થાનિકોમાં રોબિનહુડ જેવી છાપ ધરાવતા છોટુ વસાવા જનતા પાર્ટી, જનતા દળ, અપક્ષ, જનતાદળ યુનાઈટેડ, બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી)માંથી ચૂંટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

મધુ શ્રીવાસ્તવ
આ પછી વાત કરીએ ભાજપ સામે જ બાંયો ચઢાવીને ચૂંટણીમાં આ વર્ષે અપક્ષ ઉમેદવારી કરનારા વડોદરાની વાઘોડિયા બેઠકના સિટિંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની, તો પોતાની અલગ જ અંદાજથી ડાયલોગ ડિલિવરી સાથે વાત મુકનારા અને દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ પણ વર્ષ 1995થી ધારાસભ્ય પદ સંભાળવાનો અનુભવ ધરાવે છે. પોતાના નિવેદનો હોય કે મીડિયા સાથે હાથ ચાલાકી, મધુ શ્રીવાસ્તવ સતત વિવાદો વચ્ચે રહેનારા નેતાઓ પૈકીના એક છે. તેઓના પિતા બાબુભાઈ પણ ભારતીય સેનામાં હતા. તેમના પત્ની પણ ચૂંટણી લડી ચુક્યા છે. તેમના દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.1995થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા આ જુના જોગીની ટિકિટ હાલમાં જ ભાજપે કાપી હતી. જે પછી તેઓ નારાજ થયા હતા. ડેમેજ કંટ્રોલ કરવાનો પણ પાર્ટી દ્વારા ઘણો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ એમ કાંઈ મુધભાઈ પાછા થોડા વળે. તેમણે પાર્ટીને અલવીદા કરી દીધું અને અપક્ષમાંથી હવે ફોર્મ ભરી દીધું છે. છ ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર રાજ કરનારા મધુ શ્રીવાસ્તવના રાજકીય જીવનમાં આ પહેલી ઉથલપાથલ થોડી હતી, તે તો અગાઉ પણ કેશુભાઈ અને શંકરસિંહના ગજગ્રાહ વખતે પણ હતા અને હવે જ્યારે ભુપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે પણ અહીં હતા. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવું તેમને સારું એવું આવડે છે તેવું અત્યાર સુધી તો કહી જ શકાય તેમ છે.

પબુભા માણેક
આ પછી બીજા એક બાહુબલી નેતાની વાત કરીએ તો તેમાં નામ આવે છે પબુભા માણેકનું. પબુભા 1990થી સતત દ્વારકા બેઠક જીતતા આવ્યા છે. પહેલા તેમણે શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી અને તેઓ પોતાની કારકીર્દીની ત્રણ ચૂંટણી જિત્યા પછી વર્ષ 2002માં કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી જીત્યા હતા. જોકે તે પછી ભાજપ સાથે જેમણે છેડો જોડ્યો અને તે પછી સતત ભાજપમાંથી ચૂંટણી જીતતા આવ્યા છે. આ વર્ષે પણ તેઓ પોતાની પરંપરાગત બેઠક દ્વારકા પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 115 કરોડ રૂપિયાની જંગી સંપત્તિ ધરાવતા પબુભા 66 વર્ષનના છે. છેલ્લા 32 વર્ષથી તેઓ ધારાસભ્ય પદ પર અકબંધ છે. અગાઉ તેઓ આરોગ્યમંત્રી પણ રહી ચુક્યા છે.

કેશુભાઈ નાકરાણી
હવે વાત કરીએ ગારિયાધાર બેઠકની તો આ બેઠક પરથી કેશુભાઈ નાકરાણીને ભાજપે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કેશુભાઈ નાકરાણી કેશુભાઈની સરકાર વખતે મંત્રી પદ પર રહેલા અને આ બેઠક પર તેમનો દબદબો વધ્યો છે. તેમણે સૌથી પહેલા 1995માં વિધાનસભા ચૂંટણી લડી હતી. વર્ષ 2012માં તો તેમણે કોંગ્રેસના બાબુભાઈ માંગુકિયાને 53 હજાર મતોની જંગી લીડથી હાર આપી હતી. તેમની સામે હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી. ભાજપે પાટીદાર સમાજના જુના ઉમેદવારો પૈકાીના ત્રણ ઉમેદવારોને જ ફરી તક આપી છે જેમાં કાંતિ અમૃતિયા, ચીમન સાપરિયા અને કેશુભાઈ નાકરાણીનો સમાવેશ થયો છે.

પુરુષોત્તમ સોલંકી
આ પછી ભાવનગર બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરતાં પુરુષોત્તમ સોલંકી પણ એક અલગ દબદબો ધરાવે છે. પોતાના વિસ્તારમાં ભાઈ તરીકે ઓળખાતા પુરુષોત્તમ સોલંકી શિક્ષિત નેતાઓમાં સ્થાન પામે છે. તેઓએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ભાજપમાં 1995માં જોડાયા અને ઘોઘા બેઠક પરથી તે સમયે તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. જે પછી 1998, 2002, 2007ની ચૂંટણી પણ તેઓ ઘોઘા બેઠક પરથી જીત્યા હતા. જે પછી નવા સિમાંકનમાં ઘોઘા બેઠક નાબુદ થઈ અને તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠક પર ચૂંટણી લડ્યા અને વર્ષ 2012 તથા 17માં પણ તેઓ અહીંથી જીતી ગયા હતા. 1995થી સસતત જીતનારા નેતાઓમાં પણ તેમની ગણના થાય છે.

પંકજ દેસાઈ
હાલમાં જ રોબોટ સાથે હાઈટેક પ્રચાર કરનારા ભાજપના નેતા અને નડિયાદ બેઠકના ઉમેદવાર પંકજ દેસાઈને કેમ ભુલાય. પંકજ દેસાઈનો આ વિસ્તારમાં જેવો દબદબો છે તેવી અહીં કોઈ નેતાની પક્કડ અત્યાર સુધી જોવા મળી નથી. આણંદના ભાદરણ ગામમાં જન્મેલા પંકજ દેસાઈ બીએસસી સુધી ભણેલા છે. પંકજ દેસાઈ 1985માં રાજકારણ સાથે સક્રિય રીતે જોડાયા અને તે પછી તેઓ નડિયાદ નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા. વર્ષ 1998માં તેઓ ભાજપની ટિકિટ પરથી નડિયાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને તેના પછી તો સતત 5 ટર્મ સુધી તેઓ ભાજપના ઉમેદવાર પણ રહ્યા અને જીતીને ધારાસભ્ય પણ બન્યા છે. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પણ રહી ચુક્યા છે. હાલ પણ ભાજપે ફરી તેમના પર વિશ્વાસ મુક્યો છે અને નડિયાદ બેઠક પરથી જ તેમને રિપીટ કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT