Surat News: ‘સત્યનો હંમેશા વિજય થાય છે’, 2017ના કેસમાં સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ ધારાસભ્ય Hardik Patelનું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news
Relief to MLA Hardik Patel: વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ (MLA Hardik Patel)ને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સરથાણામાં એક રેલી દરમિયાન ઉગ્ર ભાષણ આપવા બદલ વર્ષ 2017માં દાખલ કરવામાં આવેલા કેસમાં સુરતની કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે.

આજે સત્યનો વિજય થયો છે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ કહ્યું કે, ‘આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.’

શું છે સમગ્ર મામલો?

આ કેસ વિશે વાત કરીએ તો વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હતો. આ દરમિયાન 03 ડિસેમ્બર 2017ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સરથાણા પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો

જે બાદ હાર્દિક પટેલ સામે સરથાણા પોલીસ મથકમાં જાહેરનામાનો ભંગ, રાજકીય પાર્ટી સામે ભાષણ કરવા બાબતનો ગુનો દાખલ કરાયો હતો.  આ ગુનામાં તારીખ 24 જાન્યુઆરી 2019ના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તા.26 જાન્યુઆરી 2019ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતાં કોર્ટમાં ફરિયાદી પક્ષે પુરાવા રજૂ કર્યા હતા.

વકીલ યશવંતસિંહે કરી હતી દલીલ

જે બાદ આજે બચાવ પક્ષના વકીલ યશવંતસિંહ વાળાએ દલીલ કરતા જણવ્યું હતું કે, નામદાર કોર્ટ સમક્ષ પુરાવો આપવા આવેલ સાહેદોએ પરમીટની શરત નંબર 14 બાબતે હાર્દિક પટેલ દ્વારા શબ્દશઃ ભંગ થયેલ હોય તેવું જુબાનીમાં આવેલ નથી. હાર્દિક પટેલ દ્વારા કોઈ પણ પક્ષની તરફેણમાં કે વિરોધમાં ભાષણ આપેલાનું જણાવ્યું નથી. કે કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં ભાષણ આપ્યું હોય તેવો પુરાવો રેકર્ડ પર આવેલ નથી.

હાર્દિક પટેલને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો હુકમ

નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને હાર્દિક પટેલ સહિત અન્ય એક જીગ્નેશને પણ આજે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આજે નામદાર કોર્ટ સમક્ષ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા અને નામદાર કોર્ટ દ્વારા અપાયેલ હુકમનો સાદર સ્વીકાર કર્યો હતો.
(રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT