ગુજરાતમાં નકલી પોલીસ-ટોલનાકા બાદ હવે ડુપ્લિકેટ ફોર્મ, Mehsanaમાં મફત પ્લોટના નામે સેંકડો લોકો છેતરાયા
Mehsana News: ગુજરાતમાં ડુપ્લિકેટની બોલબાલા છે, ત્યારે મહેસાણામાં ડુપ્લિકેટ ફોર્મ ફરતા થયા તે તંત્ર માટે માથાનો દુખાવો બની ગયા છે. જેમાં કલેકટરને સંબોધીને તૈયાર કરવામાં…
ADVERTISEMENT
Mehsana News: ગુજરાતમાં ડુપ્લિકેટની બોલબાલા છે, ત્યારે મહેસાણામાં ડુપ્લિકેટ ફોર્મ ફરતા થયા તે તંત્ર માટે માથાનો દુખાવો બની ગયા છે. જેમાં કલેકટરને સંબોધીને તૈયાર કરવામાં આવેલા ડુપ્લિકેટ ફોર્મમાં મહેસાણા શહેર તેમજ આજુબાજુના ગામોમાં આવેલી સરકારી પડતર એવી જમીન ફાળવવા માગણી સંબંધી લખાણનો ઉલ્લેખ કરાયો છે. જોકે કોઈ સરકાર તરફથી આવું ફોર્મ જાહેર કરાયું નથી. તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી આ વાત કહેવાતું હોવા છતાં રોજે રોજ 70 થી 100 જેટલી મહિલાઓ ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો લઈને કલેકટર કચેરીના ધક્કા ખાઈ રહી છે.
મહેસાણામાં ફરતા થયા નકલી ફોર્મ
મહેસાણામાં ફરતા થયેલા આ ડુપ્લિકેટ ફોર્મ લઈને લોકોનો ઘસારો જિલ્લા કલેકટર કચેરીમાં વધી જતા પોલીસને બોલાવવાનો વારો આવ્યો હતો. ડુપ્લિકેટ ફોર્મ ક્યાંથી આવ્યું અને કોણે ફરતું કર્યું તે બાબતે પણ તપાસ કરવા જિલ્લા કલેકટર કચેરીમાંથી મહેસાણા એ ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
મફત પ્લોટની લાલચે લોકો સાથે ફ્રોડ!
સવારથી સાંજ સુધી મફત પ્લોટ મળવાની આશાએ ફોર્મ લઈને મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચતી મહિલાઓની એક જ વાત છે કે, અમે ડુપ્લિકેટ ફોર્મ કે એવું કાંઈ જાણીએ નહીં અમને તો ફોર્મ મળ્યું છે અને તમારે અમને પ્લોટ આપવાનો છે. જાણીને નવાઈ લાગશે કે, સરકાર તરફથી પ્લોટ મળવાની આશાએ મહિલાઓ એક ફોર્મ દીઠ ₹600 જેટલો ખર્ચ પણ કરી રહી છે.
ADVERTISEMENT
ફોર્મ દીઠ લોકોએ 600 રૂપિયા ચૂકવ્યા
મફત પ્લોટ મળવાની આશાએ ડુપ્લિકેટ ફોર્મ ભરવા કલેક્ટર કચેરીમાં પહોંચેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે ફોર્મ દીઠ 20 રૂપિયા અને ફોર્મ ભરવાના 20 રૂપિયા ચૂકવવાની સાથો સાથ નોટરી અને અન્ય કાર્યવાહી કરવાના 600 રૂપિયા અત્યાર સુધીમાં ભરી ચૂક્યા છીએ અને હવે કલેક્ટર કચેરી વાળા ફોર્મ લેવાની ના પાડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કલેકટર કચેરીના ટપાલ ખાતામાં ફોર્મ લેવાતા હતા, પરંતુ ફોર્મ ડુપ્લિકેટ હોવાની જાણકારી મળતા જ ફોર્મ લેવાનું બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
કલેક્ટર કચેરીનો સિક્યોરિટી ગાર્ડ પણ છેતરાયો
મહેસાણા જિલ્લા કલેકટર કચેરીમાં સિક્યુરિટી તરીકે કામ કરતા યુવાને પણ મફત પ્લોટ મેળવવા ફોર્મ ભર્યું હોવાનું સ્વાભાવિક પણે જણાવ્યું હતું. હાલમાં ડુપ્લિકેટ ફોર્મ ક્યાંથી આવ્યું કોને ફરતું કર્યું તે સંબંધે કલેકટર કચેરી તેમજ પોલીસ વિભાગ તપાસ કરી રહ્યું છે. ત્યારે કહેવાય છે કે, આ ડુપ્લિકેટ ફોર્મ મહેસાણા મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત તેમજ અન્ય સરકારી શાખાઓમાંથી લોકો લઈને આવી રહ્યા છે.
ADVERTISEMENT
(કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT
ADVERTISEMENT