કડીમાં પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં 12 કલાકે પણ આગ બેકાબૂ, 5 શહેરોની ફાયરની ટીમો કામે લાગી
મહેસાણા: કડીના નંદાસણ રોડ પર આવેલી પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં ધુળેટીના દિવસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ધુળેટીની રજાના દિવસે ફેક્ટરીમાં રજા હતી એવામાં અચાનક…
ADVERTISEMENT
મહેસાણા: કડીના નંદાસણ રોડ પર આવેલી પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં ધુળેટીના દિવસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ધુળેટીની રજાના દિવસે ફેક્ટરીમાં રજા હતી એવામાં અચાનક આગ લાગતા સ્થાનિકોએ ફેક્ટરી માલિકને જાણ કરી હતી. જેમણે પાલિકાને જાણ કરતા કડી ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે સવારથી રાતના 12 વાગ્યા સુધી કાબુમાં આવી નહોતી. એવામાં આગને બુઝાવવા માટે કડી તથા મહેસાણા ઉપરાંત ગાંધીનગરથી પણ ફાયરની ટીમો બોલાવવી પડી હતી.
બપોરે 1 વાગ્યે લાગી હતી આગ
પ્રાપ્ત વિગતો મુજબ, કડીના અલદેસણની સીમમાં આવેલા લીંબુડીયોવાળા ગોડાઉનમાં પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં ધુળેટીએ બપોરે 1 વાગ્યે આગ લાગી હતી. રજા હોવાના કારણે કંપનીમાં કોઈ હાજર નહોતું એવામાં ફેક્ટરીમાં પડેલી મશીનરી તથા પશુ આહારમાં વપરાતો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ કડી નગરપાલિકાને કરવામાં આવતા ફાયર ફાઈટરોએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ કલાકો સુધી આગ કાબુમાં ન આવતા મહેસાણા તેમજ કલોલ પાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્રણેય નગરપાલિકાના ફાયર ફાઈટરોએ સાંજ સુધી પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબુમાં આવી નહોતી.
1.5 લાખ લિટરથી વધુ પાણીનો મારો કરાયો
જે બાદ ફેક્ટરીની આગળના ભાગની દિવાલને ક્રેનથી તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમ છતાં આગ પર કાબુ ન આવતા ગાંધીનગર પાલિકાથી ફાયર ફાઈટરની ટીમને બોલાવાઈ હતી. રાત્રે 8 વાગ્યા સુધી 1.5 લાખ લિટર પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબૂમાં ન હોતી આવી. આગમાં કંપનીનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
ADVERTISEMENT
ક્યાં ક્યાંથી ફાયરની ટીમો બોલાવાઈ?
કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં કાબુમાં નહોતી આવી રહી. એવામાં મહેસાણા, કડી, કલોલ અને ગાંધીનગર તથા અમદાવાદ મહાનગરપાલિકાની ગાડીઓ બોલાવવી પડી હતી. કુલ 7 જેટલી ફાયરની ગાડીઓ આગને બુજાવવામાં લાગી છે છતાં તે કાબૂમાં આવી રહી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT