નડિયાદમાં મિત્રની પત્ની સાથે આડાસંબંધની શંકાએ યુવકની ધાતકી હત્યા, માથું કાપીને સાથે લઈ ગયો હત્યારો
હેતાલી શાહ/ખેડા: નડિયાદમાં તાજેતરમાં યુવકની માથા વગરની લાશ મળી આવતા સમગ્ર ખેડા જિલ્લામાં ચકચાર મચી હતી. નડિયાદ પાસે પીજ ઓવરબ્રિજ નીચે થયેલી હત્યામાં આરોપી મૃતકનું…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડા: નડિયાદમાં તાજેતરમાં યુવકની માથા વગરની લાશ મળી આવતા સમગ્ર ખેડા જિલ્લામાં ચકચાર મચી હતી. નડિયાદ પાસે પીજ ઓવરબ્રિજ નીચે થયેલી હત્યામાં આરોપી મૃતકનું માથું કાપીને લઈ ગયો હતો. જેને લઇને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આખરે પોલીસે 12 થી 15 કલાકની જેહમત બાદ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં મિત્રની પત્ની સાથે મૃતક મિત્રના આડા સંબંધ હોવાની શંકાને લઈને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શુક્રવારે યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી
મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લના નડિયાદ પાસેના પીજ ઓવરબ્રિજ નીચે શુક્રવારે વેહલી સવારે વસો પોલીસને માથા વગરનું ધડ મળી આવ્યું હતું. જેને લઇને પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન પોલીસને યુવકની ઓળખ કરતા યુવક સંધાણા ગામનો પરેશ ગોહેલ હોવાનું સામે આવ્યું હતું. અને પરેશ છેલ્લા બે દિવસથી ટૂંડેલ પોતાની સાસરીમાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે મૃતક પરેશનું કપાયેલું માથુ અને હત્યારાઓને શોધવા તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમ્યાન પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી. હત્યારાઓને શોધવા માટે 50 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ કામે લાગી હતી.
ADVERTISEMENT
પોલીસને એક કડી મળી અને કેસ ઉકેલાયો
પૈસાની લેતી દેતી, પ્રેમ સંબંધ કે અન્ય કોઈ અદાવતમાં ઝૂનુન પૂર્વક યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકાના આધારે પોલીસે તમામ પાસાઓની ચકાસણી શરૂ કરી હતી. તપાસ કરી રહેલ પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન, નેત્રમની ટીમ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી, પરિજનો સહિત મૃતકના મિત્રોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને કેટલીક કડીઓ મળી હતી. પૂછપરછમાં પરેશના પ્રેમ સંબંધની જાણ થતા જ પોલીસ દ્વારા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે નડિયાદ શહેરના શિવાંગી સોસાયટી ખાતે રહેતા શંભુ ઉર્ફે સચિન વિઠ્ઠલભાઈ ઠાકોરનની વધુ પૂછપરછ શરૂ કરી હતી. ક્રોસ ઇન્ટ્રોગેશન દરમિયાન શંભુ ઉર્ફે સચિન ભાંગી પડ્યો હતો. પોતાના મિત્રની પત્ની સાથે પરેશને પ્રેમ સંબંધો હોવાની શંકા જતા તેણે મિત્રની મિત્રતાના કારણે પરેશની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?
તેણે પોલીસને જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે લગભગ 8:30 કલાકે પરેશને ફોન કરીને નડિયાદ પાસે ટૂંડેલ સીમ વિસ્તારમાં આવેલ રેલવે લાઇન-પીજ ચોકડી નજીક ફાટક પાસે બોલાવવામાં આવ્યો હતો. અને સચીન સાથે અન્ય શખ્સો પણ હતા. સચીને પરેશ પર તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી 8 થી વધુ ઘા કરી હત્યા કર્યા બાદ તેનું માથું કાપીને તેની જ ટીશર્ટમાં બાંધી, બાઈક ઉપર ઘરે લઈ ગયો હતો. જ્યાંથી માથાને એક ડબ્બામાં મૂકીને તે ડેરી રોડ ઉપર ગયો હતો. અને ઘરની નજીક પાછળના ભાગે ખોદકામ કરી માથું તથા ટીશર્ટ પણ દાટી દીધી હતી. શંભુએ કરેલી કબુલાતના આધારે પોલીસે સ્થળ ઉપર જઈને ખોદકામ કરીને પરેશનું માથું તેમજ તેણે પહેરેલી ટીશર્ટ જપ્ત કરી હતી.
ADVERTISEMENT
કલાકોમાં પોલીસે કેસ ઉકેલ્યો
હત્યાની ગંભીરતાને ધ્યાને લઇ ખેડા એસપી, ડીવાયએસપી, વસો પોલીસ, એલ.સી.બી.,એસ.ઓ.જી., નેત્રમ, ટેકનીકલ સર્વેલન્સ, સહિતની ટીમો કામે લાગી અને 12 થી 15 કલાકના ટૂંકા સમયગાળામાં જ ખેડા જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો આ ગુનો ઉકેલીને તેમાં સંડોવાયેલા શંભુ ઉર્ફે સચિનની અટકાયત કરી અન્ય આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમા હત્યાના ગુનામાં ઝડપાયેલા શંભુ ઉર્ફે સચિનને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હજી શંભુએ હત્યા માટે જે હથિયારનો ઉપયોગ કર્યો તે પોલીસને રિકવર કરવાનું છે. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ અટક કરવાની સાથે સાથે વધુ હકીકતો પણ પૂછપરછ દરમિયાન બહાર આવે તેવી શક્યતા વર્તાઇ રહી છે.
ADVERTISEMENT
આ ઘટનામાં મહત્વની બાબત એ છે કે મૃતક પરણિત હતો. અને મૃતકનું માથું કાપીને પોતાના મિત્રને બતાવા માટે લઈ ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો આ હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.
ADVERTISEMENT