IPL: અમદાવાદમાં ગુજરાત-ચેન્નઈની મેચની 1000ની ટિકિટ 2900માં વેચતો કાળાબજારીયો ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આગામી 31 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. જોકે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ કાળાબજારીયા સક્રિય થઈ ગયા છે. 31મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાવાની છે. ત્યારે રૂ.1000ની ટિકિટ બુક કરીને તેને રૂ.2900માં વેચનારા કાળાબજારીયાને LCBની ટીમે 20 ટિકિટો સાથે ઝડપી લીધો છે.

ઓનલાઈન ટિકિટ બુક કરી ઊંચા ભાવે વેચવાનો પ્રયાસ
વિગતો મુજબ, LCBની ટીમ ઝોન-2માં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે મોદી સ્ટેડિયમમાં 31મી માર્ચે રમાવાની મેચની ટિકિટ ઓનલાઈન ખરીદીને ઊંચા ભાવે વેચી રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિ ચાંદખેડા-ઝુંડાલ સર્કલ પર ઊભો છે. જેના આધારે LCBની ટીમે વોચ ગોઠવી હતી અને ત્યારે બ્રિજેશ કાપડિયા નામની વ્યક્તિ પકડાઈ હતી જે ચાંદખેડાના વૃંદાવન ગોદરેજ ગાર્ડન સિટીમાં રહે છે. આરોપી પાસેથી મેચની 20 જેટલી ટિકિટ મળી આવી હતી.

ટિકિટ દીઠ 1900નો નફો
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચેચની મેચનો લોકોમાં ક્રેઝ વધારે હોવાના કારણે ટિકિટ નહીં મળે તો લોકો વધુ પૈસા આપીને પણ લેશે તેમ વિચારીને તેણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી લીધી હતી. બાદમાં તેને ટિકિટ દીઠ 1900 રૂપિયાનો નફો મેળવવાનો પ્લાન હતો. હાલમાં પોલીસે ઓનલાઈનમાં કેટલી ટિકિટ ખરીદી અને કેટલા લોકોને બ્લેકમાં વેચી છે તે વિશે જાણકારી મેળવવા આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT