અમદાવાદમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના, પરિણીતાએ લગ્નની ના પાડતા પાગલ પ્રેમીએ ગળા પર છરી ફેરવી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સુરતમાં બનેલા ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ જેવો ચોંકાવનારો મામલો અમદાવાદમાં સામે આવી રહ્યો છે. જેમાં સરદારનગરમાં રહેતી પરિણીતાના પ્રેમમાં પાગલ યુવકે છરીના ઘા મારીને લોહીલુહાણ કરી નાખી હતી. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો પોલીસે આરોપી પ્રેમીને પણ પકડી લીધો છે.

પતિ સાથે અણબનાવ થતા પિયરમાં રહેતી હતી મહિલા
વિગતો મુજબ, શહેરના પૂર્વ વિસ્તાર સરદાર નગરમાં પ્રિયા (નામ બદલ્યું છે)ના લગ્ન રાજસ્થાનમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પ્રિયા માતા બની. જોકે થોડા સમયથી પ્રિયાને પતિ સાથે અણબનાવ થતા તે બાળકને લઈને પિયરમાં પાછી આવી ગઈ હતી. બાદમાં તેણે દીકરાને ભણવા માટે નજીકની સ્કૂલમાં મૂક્યો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી.

રીક્ષા ચાલક નવીન પ્રેમમાં પડ્યો
નવીન અને પ્રિયા એકબીજા સાથે પરિચયમાં આવ્યા અને બંને ઘણીવાર ફોન પર વાતો કરતા હતા. એવામાં નવીન પ્રિયાના પ્રેમમાં પડ્યો અને તેને પામવાના પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ બીજી તરફ પ્રિયાના છૂટાછેડા નહોતા થયા. એવામાં ગઈકાલે બપોરે નવીને પોતાના પરિવારને લઈને પ્રિયાના ઘરે પહોંચી ગયો અને બધાની હાજરીમાં પ્રિયાને લગ્ન કરવા માટે કહ્યું. જોકે પ્રિયાએ લગ્નની ના પાડી દીધી, કારણ કે તેના છૂટાછેડા નહોતા થયા. પણ નવીન લગ્નની જીદ પકડીને બેઠો હતો અને કોઈ રીતે વાત માનવા તૈયાર નહોતો.

ADVERTISEMENT

લગ્નની ના પાડતા છરીના ઘા માર્યા
પ્રિયાએ લગ્નની ના પાડતા જ નવીને પોતાની પાસે રહેલી છરી કાઢી અને પ્રિયાના હાથમાં મારી દીધી હતી. આ બાદ તેણે ગળા પર પણ છરીના ઘા મારી દીધા હતા. ત્યારે પ્રિયા ઘટનામાં લોહીલુહાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ આરોપી નવીનને પણ સરદારનગર પોલીસે ઝડપી લીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT