જૂનાગઢમાં માનવભક્ષી દીપડાનો વધ્યો આતંક: આજે વધુ એક બાળકીનો લીધો ભોગ, સમગ્ર પંથકમાં દહેશત
Junagadh News: જૂનાગઢમાં હાલ લીલી પરિક્રમા ચાલી રહી છે, જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ગતરોજ પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવેલી બાળકી પર દીપડાએ…
ADVERTISEMENT
Junagadh News: જૂનાગઢમાં હાલ લીલી પરિક્રમા ચાલી રહી છે, જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ગતરોજ પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવેલી બાળકી પર દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતું, ત્યારે આજે ફરી માનવભક્ષી દીપડાએ 5 વર્ષની બાળકીનો ભોગ લેતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. તો સતત બીજા દિવસે દીપડાના હુમલા બાદ વન વિભાગ દોડતું થયું છે. દીપડાને પકડવા માટે ઠેર-ઠેર પાંજરા મુકવામાં આવ્યા છે.
5 વર્ષની બાળકીને ઉઠાવી ગયો આદમખોર દીપડો
મળતી માહિતી અનુસાર, જૂનાગઢના ભેસાણના ખાખરા હડમતીયા ગામે વાડી વિસ્તારમાંથી માતા-પિતા પોતાની 5 વર્ષીય બાળકી સાથે ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડો આવી ગયો હતો અને 5 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. માતા-પિતા દ્વારા ચીસાચીસો પાડવામાં આવતા આજુબાજુની વાડીમાંથી પણ લોકો દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પરિવારમાં ભારે આક્રોશનો માહોલ
જે બાદ તપાસ કરવામાં આવતા બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. પોતાની વ્હાલસોયી દીકરીને મૃત હાલતમાં જોઈને માતા-પિતા ભાંગી પડ્યા હતા. જોકે, આ દુર્ઘટના બાદ બાળકીના પરિવારમાં ભારે આક્રોશનો માહોલ છવાયો છે. હાલ વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા દોડધામ શરૂ કરી છે.
ગઈકાલે પણ બન્યો હતો આવો જ બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ દીપડાએ જૂનાગઢમાં એક બાળકીનો જીવ લીધો હતો. રાજુલા ખાતે રહેતી 11 વર્ષીય બાળકી પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા માટે આવી હતી. આ દરમિયાન વહેલી સવારે પરિક્રમાના રુટ પરના બાવર કાટ વિસ્તારમાં એક આદમખોર દીપડો ચઢી આવ્યો હતો અને દીપડાએ આ બાળકી પર હુમલો કર્યો હતો. આદમખોર દીપડો બાળકીને ઉઠાવી 50 મીટર અંદર જંગલમાં ઢસેડીને લઈ ગયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જંગલમાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT