અંજારમાં તંત્રની બેદરકારીથી કરંટ લાગતા 8 વર્ષના બાળકનું મોત, 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છના અંજાર શહેરના વોર્ડ નંબર 8માં આવેલી અંજલિ વિહાર સોસાયટીમાં રહેતા 8 વર્ષના બાળક દર્શીલ બાંભણીયાનું PGVCL અને અંજાર નગર પાલિકાની બેદરકારીના કારણે અકાળે ભોગ લેવાયો હતો. વીજપોલને અડી જતા બાળકને કરંટ લાગ્યો અને 3 બહેનોએ રક્ષાબંધનના પર્વ પહેલા જ એકનો એક ભાઈ ગુમાવી દીધો.

સોસાયટીમાં વીજ પોલમાં કરંટ લાગ્યો

આ બનાવની વિગત એવી છે કે રાત્રે 8 વાગ્યાની આસપાસ સોસાયટીના બાળકો રાબેતા મુજબ રમત ગમતમાં મસ્ત હતા. દરમિયાન દર્શીલ પીજીવીસીએલના પોલ પાસે હતો ત્યારે તેનો હાથ અજાણતા અર્થીંગ વાયરના સંપર્કમાં આવી જતાં શોકનો જોરદાર ઝટકો લાગતા તે નીચે પટકાઇ ગયો હતો. સોસાયટીના રહેવાસીઓ તેને તરત જ સારવાર હેતુ જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા સ્નેહીઓ કલ્પાંત સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું.

PGVCLને ચેતવ્યા છતા ન લીધા પગલા

થોડા દિવસો પહેલાં જ અખબારી યાદી દ્વારા પીજીવીસીએલ તેમજ અંજાર નગરપાલિકા તંત્રને આ બાબતે ચેતવવામાં આવ્યા હતા કે દીવાબત્તીના સીધા જોડાણને કારણે ગમે ત્યારે ગંભીર જીવલેણ અકસ્માત થઈ શકે છે. પરંતુ નિર્ભર તંત્ર જાગ્યું નહિ અને આજે એક માસુમ બાળકનો ભોગ લેવાઈ ગયો. ત્યારે આ ગંભીર અકસ્માતની જવાબદારી કોણ લેશે? પીજીવીસીએલ કે અંજાર નગરપાલિકા ? એવો સવાલ કરતાં પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું કે, દર્શીલ ત્રણ બહેનોનો એક જ લાડકવાયો વીરલો હતો. તંત્રની બેદરકારીને કારણે તેની અકાળે વિદાયથી આખો પરિવાર આધાતમાં શોકમગ્ન થઈ ગયો છે.આ દુર્ઘટના પછી નિંદ્રામાં પોઢેલું તંત્ર હવે જાગશે કે હજુ પણ માસૂમ બાળકોના ભોગ લેવાશે? તેવો વેધક સવાલ કર્યો હતો જો કે હવે જોવું એ રહ્યું કે આ ઘટના માટે કોઈની જવાબદારી નક્કી કરી તેની સામે પગલાં ભરવામાં આવશે કે પછી તંત્ર અને લોકો સમય જતાં આ કરૂણ ઘટના ને પણ વિસરી જશે?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT