2 વર્ષે મળ્યો ન્યાય... જંત્રાખડી ગામે 8 વર્ષની માસૂમને પીંખીને હત્યા નીપજાવી દેનાર નરાધમને કોર્ટે સંભળાવી ફાંસીની સજા

ADVERTISEMENT

Jantrakhadi rape murder case
જંત્રાખડી દુષ્કર્મ-હત્યા કેસ
social share
google news

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બે વર્ષ પહેલા 12-6-2022ના રોજ હચમચાવી દેનારી ઘટના બની હતી. જ્યાં આઠ વર્ષની કૂમળી વયની બાળકી સાથે આરોપી શામજી સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું. જે દરમિયાન બાળકીને મોતને ભેટી હતી. કૃત્ય બાદ નરાધમે બાળકીના મૃતદેહને ગામના ઝાંપાની બહાર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો. ઘટનાને લઈને ગામ અને સમગ્ર પંથકમાં ઈસમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે હવે બે વર્ષ બાદ કોડીનાર કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોડીનાર કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

શું હતી સમગ્ર ઘટના ? 

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના એક પરિવારમાં પતિ બહારગામ રહેતો હતો અને પત્ની મજૂરી કામ કરતી હતી. પરિવારની આઠ વર્ષીય બાળકીની માતા રામરોટી લેવા ગઇ હતી. ત્યારે સવારે 10 વાગ્યે પાડોશીએ બાળકીને ગામમાં સેવ લેવા માટે મોકલી હતી. રસ્તામાં શામજી ભીમા સોલંકીનું ઘર આવે છે. આથી શામજીએ પણ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મંગાવ્યા હતા. બજારમાંથી આ બધી વસ્તુ લઈ બાળકી પરત ફરતી વખતે શામજીના ઘરમાં બીડી-બાકસ દેવા ગઇ હતી. શામજીએ વખતે પોતાના ઘરમાં એકલો જ હતો. 8 વર્ષની માસુમ બાળાને જોતાં તે હેવાન બની ગયો હતો. તેણે બાળકીને ઘરમાં ખેંચી જઇ દરવાજો બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં કોઈને જાણ ન થાય એ માટે તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશને કોથળામાં ભરી જંત્રાખડી 66 કેવી સામે પાળાની પાછળ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. પછી પોતે ઘેર જઇને નિરાંતે સુઇ ગયો હતો. બીજી તરફ બાળકીની માતા રામરોટી લઈ ઘેર આવ્યા. પણ પુત્રીને ન જોતાં તેમણે પાડોશીને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને સેવ લેવા મોકલી હતી પણ તે હજુ સુધી આવી નથી. આથી શોધખોળ શરૂ થતાં થોડીવારમાં જ ખબર પડી ગઈ હતી કે તેની લાશ 66 કેવી સામે પડી છે.

ADVERTISEMENT

જાણવા મળ્યા મુજબ, નરાધમ શામજી માચ્છીમારીનો વ્યવસાય કરતો હતો. તે બે સંતાનોનો પિતા છે. પણ દારૂ પી ઘરમાં ધમાલ કરતો હોવાથી તેની પત્ની રિસામણે હતી. બનાવ અંગે ગામ લોકોએ કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બનાવની ગંભીરતાને લઇ એએસપી ઓમપ્રકાશ જાટ જાતે તપાસ માટે જંત્રાખડી દોડી ગયા હતા અને આરોપીને ઝડપી લીધો હતો.

પંચનામું કરી બાળકીના મૃતદેહને કોડીનાર પીએમ માટે લઈ જવાયો હતો. જ્યાં મામલાને ગંભીરતાને લઇ જામનગર ખાતે પેનલ પીએમ માટે મોકલી અપાયો હતો. પોલીસે એફએસએલને બોલાવી આરોપીના ઘરમાંથી પુરાવાનો નાશ ન થાય એ માટે તેને સીલ કરી દીધું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા પણ જંત્રાખડી દોડી ગયા હતા.

ADVERTISEMENT

નરાધમ શામજીને દાખલારૂપ સજા મળે એવી માંગણી ઉઠી હતી. આ બનાવને પગલે ગામલોકોમાં આરોપી પ્રત્યે ભારોભાર ધીક્કારની લાગણી છવાઇ ગઇ હતી. શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂમો દઇ દીધો હતો. આથી તેના મોઢામાંથી ઉલ્ટી અને કુદરતી હાજત થઇ ગઇ હોઇ ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામી હોઇ શકી હોવાનું મનાઇ રહ્યું છે.

ADVERTISEMENT

પોલીસે 25 દિવસમાં તૈયાર કરી હતી ચાર્જશીટ

પોલીસ દ્વારા માત્ર 25 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ કોડિનારની સ્પેશિયલ કોર્ટમાં ચલાવાયો હતો.

મોરારિબાપુએ મૃતક બાળકીને આપી હતી શ્રદ્ધાંજલી

કોડીનાર તાલુકાના જંત્રાખડીની ઘટના સંદર્ભે કથાકાર મોરારિબાપુએ પણ જંત્રાખડી ગામે જઈને પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. આ સાથે પીડિત પરિવારને એક લાખ રૂપિયા સહાય અર્પણ કરી માસુમ બાળાના ફોટાને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બાદમાં બાળાની સમાધિના દર્શન કરીને પરિક્રમા કરી હતી. બાપુએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને આરોપીને સત્વરે કાયદાની જોગવાઇ અનુસાર કડક સજા મળે તેવું માંગ કરી હતી.

ગ્રામ પંચાયતો સરપંચોએ આ મામલે ફાંસીની કરી હતી માંગ

કોડીનારમાં બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોડીનાર તાલુકાના તમામ ગામોના સરપંચોએ ઘટના બાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપી નરાધમને ફાંસીની સજા મળે તેવી માંગ કરાઇ હતી. તો પરિવારે પણ ફાંસીની માંગ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT