ગુજરાતમાંથી હવે મંત્રીનો નકલી PA પકડાયો, MLA પ્લેટવાળી કારમાં ફરતા આધેડના ‘કાંડ’ જાણીને પોલીસ ચોંકી
Junagadh News: ગુજરાતમાં એક બાદ એક નકલી ભેજાબાજો પકડાઈ રહ્યા છે. ક્યારેક નકલી PMO અધિકારી તો ક્યારેક નકલી CMO અધિકારી, હવે તો રાજ્યમંત્રીનો નકલી PA…
ADVERTISEMENT
Junagadh News: ગુજરાતમાં એક બાદ એક નકલી ભેજાબાજો પકડાઈ રહ્યા છે. ક્યારેક નકલી PMO અધિકારી તો ક્યારેક નકલી CMO અધિકારી, હવે તો રાજ્યમંત્રીનો નકલી PA ઝડપાયો છે. જૂનાગઢના ધારાસભ્ય અને મંત્રી પરતોત્તમ સોલંકીના નામે રોફ જમાવતો એક ભેજાબાજ પોલીસના હાથે લાગ્યો છે. ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું કહેતા આ 53 વર્ષના આધેડની કારમાંથી MLA ગુજરાત લખેલી પ્લેટ પણ મળી આવી છે. તથા તેની પાસે મંત્રીના નામનું વિઝિટિંગ કાર્ડ પણ મળ્યું છે.
શંકાસ્પદ કાર દેખાતા પકડાયો નકલી PA
આ અંગે જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન એક શંકાસ્પદ કારમાં MLA ગુજરાત લખેલું બોર્ડ દેખાતા તેને થોભાવી હતી, બાદમાં પૂછપરછ કરતા રાજેશ જાદવ નામનો કાર ચાલક ધારાસભ્ય સાથે સંબંધિત ન હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેની સામે કલમ 170 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલમાં તેની પૂછપરછ શરૂ છે, તેની પાસેથી વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા છે. જેમાં રાજ્યકક્ષા મંત્રીના અંગત સચિવ હોવાનું લખ્યું છે.
ગોંડલ-ધોરાજીમાં પણ છેતરપિંડી આચરી હતી
નકલી PA રાજેશ જાદવે ગિરનારની પરીક્રમા દરમિયાન પણ MLA મદદનીશનું કાર્ડ બતાવી પોતાના વાહન સાથે જંગલમાં પ્રવેશની માગણી કરી હતી, આ બાબતે પણ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરીને તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ તપાસતા તેના વિરુદ્ધ ગોંડલ અને ધોરાજીમાં સમુહ લગ્નમાં છેતરપિંડી કરી હોવાની અરજી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે રાજેશ જાદવ નામના આ શખ્સે કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તે મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT