વીજચોરો સામે તંત્રની લાલ આંખ: જૂનાગઢ શહેર, વિસાવદર અને ગ્રામ્ય તાલુકાના ગામડાઓમાં PGVCLના વ્યાપક દરોડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Junagadh News: છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

Salangpur temple: ઇન્દ્રભારતી બાપુ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા, હનુમાનજીના અપમાનથી લોહી વહેવડાવવાની ચીમકી

આ વિસ્તારોમાં બોલાવી તવાઈ અને ભેગો થયો 1 કરોડનો દંડ

ગઈકાલે તા.૦૨-૦૯-૨૦૨૩ ના રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને જૂનાગઢ જિલ્લાની ગ્રામ્ય વિભાગીય કચેરી-૧ તથા શહેર વિભાગીય કચેરી હેઠળની વિસાવદર-૧, વિસાવદર-૨, બિલખા, સેટેલાઇટ, જીઆઇડીસી, પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૫ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૫૦૩ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૭૪ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૨૪.૭૪ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. આ રીતે તા. ૨૮.૦૮.૨૦૨૩ થી તા.૦૨-૦૯-૨૦૨૩ ના સપ્તાહમાં ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના વિસાવદર, ભેસાણ, જૂનાગઢ, વંથલી, માણાવદર, મેંદરડા, વેરાવળ, સુત્રાપાડા અને તાલાળા હેઠળની પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૧૯૧૨ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા. જે પૈકી ૩૬૭ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૧૦૭.૬૯ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨3 થી જુલાઈ-૨૩ ના સમયગાળા દરમિયાન જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૪૮૮૪ વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ ૧૮૮૭ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૪૯૨.૫૬ લાખ ની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT