કોંગ્રેસ નેતા બુટલેગરને બચાવવા માટે કરી રહ્યા છે બનાસકાંઠાના SPનો વિરોધ? કોણે કર્યો હવે મોટો આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જેનો મુખ્ય ચર્ચિત સવાલ છે કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારી પર પાંચ ફોજદારી કેસ બાદ હવે તેમની પર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી છે. જેના લીધે આ કોંગ્રેસી કાર્યકર પર ગમે તે સમયે જિલ્લા કલેકટર પાસાનું વોરંટ ઇસ્યુ કરે તેવી સંભાવના વધી છે અને આ જ મુદ્દે ગેનીબેન ઠાકોર આક્રોશિત છે. તેઓ આ પ્રકારની કાર્યવાહીને રાજકીય દ્વેષની કાર્યવાહી માની રહ્યા છે. તેઓ ટ્વીટ કરીને જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખે પણ પોલીસનો પક્ષ લઈ ગેનીબેન પર કાઉન્ટર એટેક કર્યો છે અને નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓનું બૂટલેગરોને બચાવવા પાછળનું રહસ્ય શું? આમ આ મુદ્દે હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે.

કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી
આ બાબતે ગેનીબેન ઠાકોરે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં કાર્યકરોને ફસાવવાનાં કીમિયા ચલાવી લેવાશે નહી. તેમજ કોંગ્રેસનાં કાર્યકર ઠાકરશી રબારી પર થયેલા પ્રોહિબિશનનાં કેસને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ઠાકરશી રબારી પર પાસા થશે તો જેલ ભરો આંદોલન કરવામાં આવશે. ધારાસભ્યનાં આ નિવેદન બાદ બનાસકાંઠાનાં રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.

કોણ છે વિવાદિત કોંગ્રેસી નેતા ઠાકરશી રબારી?
વાવના ઢીમા પંથકના મૂળ રહીશ ઠાકરશી રબારી કોંગ્રેસના જૂના કાર્યકર છે. જેઓ ગેનીબેન ઠાકોરના મુખ્ય નજીકના વિશ્વાસુ નેતા મનાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શંકરભાઈ ચૌધરીની હારમાં આ જ નેતા ઠાકરશી રબારીની રણનીતિ કામે લાગી હતી અને ગેનીબેન માટે ટ્રેક્ટર તેમજ ગાડાંમાં બેસી પ્રચાર તેમજ ફંડ ભેગુ કરવાના કામ તેમણે કર્યા હતા. તેઓ તે સમયે ગેનીબેનના ચૂંટણી એજન્ટ પણ હતા. તેમણે નર્મદા નિગમના પાણી મામલે અધિકારીઓ પર હુમલો કરી સબક શીખવાડવાનું નિવેદન પણ આપ્યું હતું. જેમાં થોડા સમય અગાઉ પ્રોહિબીશનના એક કેસમાં તેઓનું નામ ખૂલ્યું હતું. જોકે તે સમયે પણ ઠાકરશી રબારીએ નિવેદન આપી, આ કેસ રાજકીય ઇશારે થયો હોવાનું જણાવ્યું હતું. આ એ જ કોંગ્રેસી નેતા છે જે ભાજપના રાજકીય આગેવાનોને ઘેરાવામાં કોઈ તક છોડતા નથી, અને પોતાની આક્રમકતાનો વિડિઓ બનાવી રોજ સોશિયલ મીડિયામાં મૂકે છે. તેઓ કોંગ્રેસ વાવ શહેર પ્રમુખ સહિતની અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે અને આજે પણ વાંકી મૂંછો અને દેશી ધોતિયું પહેરી, કોંગ્રેસના પ્રચારક બની ફરતાં આ નેતા ગ્રામીણ વિસ્તારના લોકો વચ્ચે સ્થાનિક બળુકા નેતાની છાપ ધરાવે છે. જોકે હવે તેમની પર કહેવાતા પાંચ કેસોના આધારે તેમની મુસીબત વધી છે અને સંભવ છે કે તેઓની ગમે તે સમયે પાસામાં ધરપકડ થશે.

ADVERTISEMENT

પ્રોહિબીશનના આરોપી સામે પાસાની કાર્યવાહી થાય છેઃ પોલીસ અધિક્ષક
વાવના ધારાસભ્ય ગેનીબેનના આક્ષેપો સામે બનાસકાંઠા SPએ નિવેદન આપ્યું છે કે, પોલીસ ધર્મ-જાતિ કે રાજકીય પક્ષોથી ઉપર જઈ નિષ્પક્ષતાથી કામ કરે છે. ત્યારે ઠાકરશી સામે 2005 થી 2023 સુધીમાં અલગ અલગ FIR કરી હોવાનો પોલીસ અધિક્ષકે દાવો કર્યો હતો. આ કેસમાં પણ પોલીસે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી છે. પ્રોહીબીશનના આરોપી સામે પાસાની કાર્યવાહી થાય છે. પોલીસ કોઈ પાર્ટી જોઈને કોઈને હેરાન કરતી.

ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિ સિંહનો કાઉન્ટર એટેક
આ મામલે પોલીસ બચાવમાં ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. તેઓએ જાહેર કર્યું હતું કે, કોંગ્રેસ બૂટલેગરોને કેમ બચાવવા માંગે છે? આમ બનાસકાંઠા એસપીને ઘેરવા કોંગ્રેસ ધારાસભ્ય સામે ભાજપનો કાઉન્ટર એટેકથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કીર્તિ સિંહે વધુમાં જણાવ્યું હતું કે ‘સરકાર અને બનાસકાંઠા પ્રજા પોલીસની પડખે છે, પોલીસે જિલ્લામાં દારૂ અટકાવવા અને ડ્રગ્સ હેરાફેરી કરનારાઓ સામે સખ્તાઈથી કામ લીધું છે. ગુનેગારો સામે પોલીસ કડકાઈથી કામે લાગી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT