હર્ષ સંઘવી અને તેમના પત્નીની આવકમાં અધધધ… વધારોઃ જાણો તેમની સંપત્તિ, ભણતર અને બીજી વિગતો અંગે
સુરતઃ સુરતની મજુરા બેઠક પરથી ભાજપે પોતાના યુવાન નેતા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે. દરમિયાન તેમણે ચૂંટણી પંચ સમક્ષ…
ADVERTISEMENT
સુરતઃ સુરતની મજુરા બેઠક પરથી ભાજપે પોતાના યુવાન નેતા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા છે. દરમિયાન તેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની એફિડેવીટ રજૂ કરી છે. જેમાં તેમના અને તેમના પત્ની સહિત તેમના પરિવારની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેઓ અને તેમના પત્ની પ્રાચી સંઘવીની આવકમાં તો ઠીક તેમના સંતાનોની આવકમાં પણ અઢળક વધારો જોવા મળી રહ્યો છે.
વાર્ષિક આવક
હર્ષ સંઘવી પોતાના સોગંદનામામાં રજુ કરે છે કે, વર્ષ 2017-18માં રૂ. 9.63 લાખ હતી અને તે જ વર્ષમાં તેમના પત્નીની આવક હતી રૂ. 2.78 લાખ. વર્ષ 2018-19માં તેમની આવક થઈ ગઈ હતી 13.30 લાખ રૂપિયા અને તેમના પત્નીની 3.58 લાખ રૂપિયા. આ પછી વર્ષ 2019-20માં તેમની આવક 18.04 લાખ રૂપિયા અને તેમના પત્નીની 4.58 લાખ રૂપિયા આવક પહોંચી હતી. જે પછી તો અધધધ વધારો થયો તેમાં વર્ષ 2020-21માં હર્ષ સંઘવીની આવક 10.31 લાખ અને તેમના પત્નીની આવક તો 14.48 લાખ રૂપિયા થઈ ગઈ હતી. આ પછીના સમયમાં લોકડાઉનથી માંડીને ઘણો કપરો સમય ગુજરાત સહિત દેશદુનિયામાં આવ્યો જેમાં આવકમાં ઘણાને ફટકો પડ્યો હતો. હર્ષ સંઘવીની 2021-22માં કુલ આવક 16 લાખ રૂપિયા થઈ હતી જ્યારે તેમના પત્નીની આવક રૂ. 1.06 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમ હર્ષ સંઘવી કરતાં પ્રાચી સંઘવી બિઝનેસમાં પ્રખર બિઝનેસ વુમન સાબિત થયા છે. માત્ર 2.78 લાખ રૂપિયાની આવકથી અમુક જ વર્ષમાં તેઓ કરોડો રુપિયાની આવક કરતાં થઈ ગયા હતા. આ ઉપરાંત પણ તેમના એચયુએફ (હિન્દુ અવિભક્ત કુટુંબ ખાતા)માં પણ અઢી ત્રણ લાખની સરેરાશ રકમ વાર્ષિક જમા થતી રહી છે.
તેમણે પોતાના હાથ પરની રોકડ રૂપિયા 4.40 લાખ, પત્નીની 2.14 લાખ અને એચયુએફમાં 1.78 લાખ બતાવી છે. ઉપરાંત તેમણે પોતાની કુલ જંગમ મિલકત જેમાં બેન્કના ખાતામાં નાણા, એલઆઈસી, શેર કે અન્ય રોકાણ, ગાડી, સોનું વગેરે મળીને કુલ રૂપિયા 84.71 લાખ રૂપિયા બતાવ્યું છે, તેમના પત્ની પાસે 10.91 લાખ તેમના સગીર વયના સંતાનો પાસેમાંથી પુત્ર આરુષ પાસે 13.03 લાખ રૂપિયા અને પુત્રી નિર્વા પાસે 15.23 લાખ રૂપિયા છે. જેમાં દર્શાવ્યા મુજબ તેમની પાસે 6.50 કેરેટના છૂટા હીરા છે, તેમની પત્ની પાસે 12 તોલા સોનું અને હીરાના દાગીનાઓ જેની કિંમત 6.50 લાખ છે. તેમના એચયુએફમાં 35.5 કેરેટના છુટા હીરા છે. તેમના પુત્ર પાસે 10.8 તોલા સોનું અને 3.33 કિલો ચાંદીની લગડી છે. ઉપરાંત દીકરી પાસે 15.3 તોલા સોનું અને 4.54 કિલો ચાંદીની લગડી છે.
ADVERTISEMENT
તેમની પાસે સ્થાવર મિલકતો પણ ઘણી છે. તેમની પાસે કુલ સ્થાવર મિલકત 4.55 કરોડની છે જ્યારે તેમની પત્ની પાસે 55 લાખ છે. હર્ષ સંઘવીના માથે 2.21 કરોડનું દેવું છે જ્યારે તેમના પત્નીના માથે 6.10 કરોડનું દેવું છે. આમ તેમની કુલ સંપત્તિ 5.39 કરોડ થાય છે અને તેમના પત્નીની સંપત્તી 65.91 લાખ થાય છે. આમ જોઈએ તો તેમની આવકમાં 30 ટકાથી વધારે વધારો જોવા મળી રહ્યો છે.
હર્ષ સંઘવી માત્ર ધોરણ 9 પાસ, ધંધો હીરાનો
હર્ષ સંઘવીએ પોતાની ભણતરની અને વ્યવસાય અંગે જાણકારી આપી હતી. તેમણે અહીં જણાવ્યું હતું કે, તેઓ ધોરણ 9 પાસ છે. તેમણે શાળાનું શિક્ષણ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટી એન્ડ ટીવી હાઈસ્કૂલમાંથી લીધું હતું. જોકે વર્ષ 2001માં તેમણે શાળા છોડી દીધી હતી. તેમણે પોતાની આવકના સ્ત્રોતની વિગતો આપતા કહ્યું છે કે તેઓ પોતે હીરાના ઉદ્યોગપતિ છે, તેમના પત્ની પણ હીરા ઝવેરાતના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેમની આરૂષ જેમ્સમાંથી, બેન્કના વ્યાજમાંથી અને ધારાસભ્ય તરીકે મળતા પગારમાંથી આવક થાય છે. તેમના પત્નીની પણ આરુષ જેમ્સ, શેર અને મ્યુચ્યલ ફંડના રોકાણ અને બેન્કના વ્યાજમાંથી આવક થાય છે. ઉપરાંત તેમના દીકરાના નામે ખોલાવેલા પીપીએફ એકાઉન્ટ અને દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં તેમને વ્યાજ મળે છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવી સામે નોંધાયો હતો ગુનો
તમને જાણીને જરૂર નવાઈ લાગી રહી હશે પરંતુ વાત ખરી છે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે એક ગુનો પણ નોંધાઈ ચુક્યો છે. દિલ્હી પટિયાલા કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. ભાજપના પ્રદેશ યુવા મોરચાના નેતા તરીકે સંસદભવન ખાતે ગેટ નંબર 8 પર તેઓએ પ્રદર્શન કરતા હતા અને નારેબાજી કરી રહ્યા હતા ત્યારે 144 કલમનો ભંગ કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો. આ ગુનો સાબિત પણ થયો હતો અને બાદમાં કોર્ટે તેમને દંડ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT