ગૃહમંત્રીના શહેરમાં ઈન્ટર્ન ડોક્ટરની હાલત કફોડી, રૂમમાં તાડપત્રી બાંધીને રહેવા મજબૂર
સંજયસિંહ રાઠોડ,સુરત:સુરત શહેરે એક સાથે 4 મંત્રી ગુજરાતને આપ્યા છે. ગુજરાતનો વિકાસ કેટલો હોય તે અંદાજો લગાવી શકાય. પરંતુ સુરત શહેરમાંથી એક તસ્વીર સામે આવી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ,સુરત:સુરત શહેરે એક સાથે 4 મંત્રી ગુજરાતને આપ્યા છે. ગુજરાતનો વિકાસ કેટલો હોય તે અંદાજો લગાવી શકાય. પરંતુ સુરત શહેરમાંથી એક તસ્વીર સામે આવી છે જે ગુજરાત સરકારના સરકારી તંત્રને ઉજાગર કરવા પુરતી છે. સુરત શહેરમાં આવેલી નવી સિવિલ સરકારી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટર એવી હાલતમાં જીવવા મજબૂર છે કે તેમના વિશે જાણીને તમે પણ ચોંકી જશો . દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ જ્યાં આર્થિક રીતે નબળા દર્દીઓ તેમની સારવાર કરાવવા માટે દૂર-દૂરથી આવે છે. આ જ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ઈન્ટર્ન ડોક્ટર એવી છત નીચે રહેવા મજબૂર છે જેની બિલ્ડિંગ જ જર્જરિત છે. આ સાથે ક્વાર્ટરની અંદર પણ પાણી ટપકતું હોય છે. ઈન્ટર્ન ડોકટરોની આ સમસ્યા અંગે મેડીકલ કોલેજ અને સિવિલ વહીવટીતંત્ર દ્વારા ગુજરાત સરકારના પીઆઈયુ વિભાગને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પીઆઈયુ સરકારી વિભાગ આંખ આડા કાન કરે છે. ક્વાર્ટરમાં રહેતા 50 થી વધુ ઈન્ટર્ન ડોક્ટરો પરેશાની ભોગવી રહ્યા છે.
પુસ્તકો પણ છત પરથી ટપકતા પાણીમાં પલળે છે
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુજી હોસ્ટેલમાં રહેતા 50 થી વધુ ઈન્ટર્ન ડોકટરોને લગભગ 3 મહિના પહેલા એપી ક્વાર્ટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેનું કારણ હતું કે વરસાદી વાતાવરણમાં તેમણે કોઈ તકલીફ ના પડે પરંતુ અહી સ્થિતિ વધુ વિકટ છે. આ ક્વાર્ટરની અંદર છત પરથી પાણી ટપકી રહ્યું છે. બિલ્ડીંગના છતનું પ્લાસ્ટર તૂટી રહ્યું છે. ઈન્ટર્ન ડોકટરોના પુસ્તકો પણ છત પરથી ટપકતા પાણીમાં પલળી રહ્યા છે. ક્વાર્ટર્સની અંદર છત પરથી પાણી ટપકતું ન રહે તે માટે આ ઈન્ટર્ન ડોક્ટરોએ તાલપત્રીનો સહારો લઈ રહ્યા છે. તાલપત્રીની નીચે બેસીને અભ્યાસ કરે છે. આ સંજોગો વચ્ચે આગામી મહિને તેઓએ પરીક્ષા પણ આપવાની છે.
ઈન્ટર્ન ડોકટરોને બે અલગ અલગ બ્લોકમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન પણ મેડિકલ કોલેજ પ્રશાસનને અહીંની પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. છતાં આ ઈન્ટર્ન ડોક્ટરોને એપી ક્વાર્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ જ્યારે વરસાદી માહોલ શરૂ થયો ત્યારે તેમની મુશ્કેલી વધતી જ ગઈ. તેઓ કહે છે કે તેમની સમસ્યા પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. આ ક્વાર્ટર્સમાં રહેતા ઈન્ટર્ન ડોકટરો સિવિલ હોસ્પિટલમાં તેમની ફરજ પૂરી કર્યા બાદ જ્યારે તેઓ પાછા તેમના ક્વાર્ટરમાં પહોંચે છે ત્યારે સૌથી પહેલા તેમણે અહીંનું પાણી સાફ કરવું પડે છે ત્યારબાદ ક્વાટર રહેવા લાયક બને છે.
ADVERTISEMENT
અનેક વબત લેખિતમાં ફરિયાડ કરવામાં આવી
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા આ ઈન્ટર્ન ડોક્ટરોની સમસ્યા અંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. ઋતંબરા મહેતા સાથે વાત કરવામાં આવતાં તેમણે જણાવ્યું કે તેમના ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાઈ જાય છે. હોસ્પિટલમાં પણ પાણી પડે છે. આ બાબતે તેમણે સરકારના PIU વિભાગને અનેક વખત લેખિતમાં ફરિયાદ કરી છે પરંતુ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે ગઈકાલે ગાંધીનગરથી પીઆઈયુ વિભાગના નોડલ ઓફિસર કમલેશ ઉપાધ્યાય સુરત સિવિલ હોસ્પિટલની સમસ્યાઓને લગતી ફરિયાદો સાંભળવા માટે ગાંધીનગરથી સુરત આવ્યા હતા. જેમની સાથે સિવિલ હોસ્પિટલની સમસ્યાઓ અંગે બેઠક યોજવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગને આગામી 1 માસમાં સિવિલ હોસ્પિટલની તમામ ફરિયાદોનું નિરાકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુરત શહેરના રીંગ રોડ, મજુરા ગેટ વિસ્તારમાં આવેલી ગુજરાત સરકાર દ્વારા સંચાલિત નવી સિવિલ હોસ્પિટલ આર્થિક રીતે નબળા દર્દીઓ માટે વરદાન સમાન છે. આ હોસ્પિટલમાં માત્ર સુરતમાંથી જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા સહિત સરહદી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ લોકો સારવાર માટે આવે છે. આવી સ્થિતિમાં, આ હોસ્પિટલનું બિલ્ડિંગ ખખડધજ હાલતમાં છે. આ બાબતે ગુજરાત કોઈ ધ્યાન આપી રહ્યું નથી. સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ હોય કે હોસ્પિટલના વોર્ડ, નર્સ ક્વાર્ટર્સ અને ઈન્ટર્ન ડોકટરોના ક્વાર્ટર, તમામની હાલત ખરાબ છે. ઉલ્લેખનીય છે કે હાલની ગુજરાત સરકારમાં સુરતમાંથી ચાર મંત્રીઓ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ખુદ સુરતના છે, આવી સ્થિતિમાં હોસ્પિટલની હાલત કેવી હશે તો બાકીના સ્થળોની સ્થિતિ શું હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT