ખેડૂતોને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, સુજલામ સુફલામ જળઅભિયાનને માર્ચ-એપ્રિલના બદલે જાણો ક્યારે કરાશે શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપ પર ફરી એક વખત ભરોસો રાખ્યો છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર ધડાધડ નિર્ણય લઈ રહી છે. ખેડૂતોને લઈ રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે. સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના  74,510 કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં   86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33  જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

વર્ષ 2022માં થયા આટલા કામ
ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું   17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં  20.81  લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી. જ્યારે 24, 418  લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો.

ADVERTISEMENT

સુજલામ સુફલામ યોજના અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે.

આજની કેબિનેટમાં થયા આ ફેરફાર
મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાને ગુપ્ત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT