પોરબંદરના માધવપુરમાં મેઘ તાંડવ, 3 કલાકમાં 10 ઇંચ વરસાદ, ડાકોરમાં મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યું
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે પોરબંદરમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. માધવપુરમાં 3 કલાકમાં 10…
ADVERTISEMENT
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે પોરબંદરમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. માધવપુરમાં 3 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પગલે મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. તો માધવપુર કોસ્ટલ હાઈવે પર પણ પાણી ભરાયા હતા.
પોરબંદરના માધવપુરમાં 10 ઈંચ વરસાદ
પોરબંદર જીલ્લાના માધવપુરમાં અનરાધાર 10 ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો છે. કોસ્ટલ હાઇવે પર પાણી ભરાયા હતા, તો માધવપુરની શેરીમાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આજે સવારના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો માત્ર ત્રણ કલાકમા 10 ઇંચ વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યુ હતું અને મેળાનું ગ્રાઉન્ડ સરોવર બની ગયું હતું. માધવપુરના આસપાસના ગામોમાં પણ ભારે વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદર શહેરમાં બપોરના એક વાગ્યાથી વરસાદી માહોલ જામ્યો છે. અહીં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જીલ્લામા આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
માંગરોળમાં પણ 11 ઈંચ વરસાદ
જૂનાગઢમાં અનરાધાર વરસાદે મુશ્કેલી વધારી દીધી છે. કેશોદમાં 6 ઈંચ તો માંગરોળમાં મોડી રાતથી અત્યાર સુધી 11 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. હજુ પત સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારે જૂનાગઢથી વેરાવળના રસ્તા બંધ થઈ ગયા છે. માંગરોળના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તો મેંદરડામાં ભારે વરસાદથી હિરણ ડેમના દરવાજા ખોલી દેવાયા છે અને આસપાસના ગામોમાં પાી ભરાઈ ગયા છે.
ADVERTISEMENT
આણંદના ઉમરેઠમાં 3-4 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આણંદના આકલાવ, ઉમરેઠ, તારાપુર, સોજીત્રા, પેટલાદ, ખંભાત, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉમરેઠમાં આશરે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉમરેઠ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો આણંદ જિલ્લાના તારાપુરમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે અવિરત વરસેલા વરસાદને પગલે તારાપુર ગામના માર્ગો પાણી પાણી થયા હતા. ગ્રામપંચાયત ભવન, નાની ભાગોળ, મામલતદાર કચેરી, પંડ્યા ફળિયું સહિત નીચાણવાળા વિસ્તારોમાં દોઢેક ફૂટ પાણી ભરાયાં હતાં. પંથકમાં ખેતી લાયક વરસાદને કારણે હાલ ડાગરની રોપણી ચાલું હોય ધરતીપુત્રોમાં હરખ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ડાકોરમાં મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યું
ખેડા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ખેડા જિલ્લાના દરેક તાલુકમાં મુશળધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગળતેશ્વર, ડાકોર, મહુધા, મહેમદાવાદ, નડિયાદ , માતરમાં વરસાદી માહોલ જામ્યો. પરંતુ આજે સવારથીજ વરસાદે જોરદાર બેટિંગ કરતા ડાકોરના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને ડાકોર રણછોડજી મંદિરના પગથિયા સુધી વરસાદી પાણી ભરાતા મંદિર બહાર કાઢેલા ભક્તોના ચપ્પલ પણ વરસાદી પાણીમાં તણાયેલા જોવા મળ્યા. ડાકોરમાં થોડાક જ વરસાદમાં મંદિરના પગથિયાં સુધીને વરસાદી પાણી ભરાઈ જાય છે જેને લઇને સ્થાનિકોની સાથે સાથે રાજા રણછોડના દર્શનાર્થે આવતા ભક્તો પણ હેરાન પરેશાન થઈ જાય છે.
(રિપોર્ટ: જીતેશ ચૌહાણ, હેતાલી શાહ, ભાર્ગવી જોશી)
ADVERTISEMENT