ચોમાસાનું આગમન? મધ્ય-દક્ષિણ ગુજરાતમાં સવારથી ધોધમાર વરસાદ, ગોધરા APMCમાં શાકભાજી તણાયા
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા શનિવારે સવારથી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સવારથી વડોદરા, પંચમહાલ, ભરુચ, ખેડા,…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા શનિવારે સવારથી દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સવારથી વડોદરા, પંચમહાલ, ભરુચ, ખેડા, ડાંગ તથા નવસારી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. તો ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.
ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ
ખેડા જિલ્લાની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. જિલ્લાના ડાકોર, સેવાલિયા, ગળતેશ્વર, નડિયાદ, મહેમદાવાદ, માતર સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. ખાસ કરીને ખેડા જિલ્લાના ડાકોરમાં ધોધમાર વરસાદ વરસતા ડાકોર મંદિરમાં મંગળાના દર્શનાર્થે આવેલા દર્શનાર્થીઓ પરેશાન થઈ ચૂક્યા હતા, કારણ કે મંદિરની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદ શરૂ થયા ને ગણતરીના જ સમયમાં ડાકોર મંદિર બહાર વરસાદી પાણી ભરાઈ જતા ડાકોર પાલિકાની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે. વહેલી સવારે લગભગ આઠ વાગે શરૂ થયેલ ધોધમાર વરસાદ હજી પણ અવીરત ચાલુ છે.
નવસારી-ડાંગમાં ધીમી ધારે વરસાદ
નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ચોમાસાના વધામણા થયા છે. ડાંગ જિલ્લામાં બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. નવસારીમાં પણ વરસાદની આગાહીને લઈને ધીમીધારે હળવો વરસાદ પડવાનું શરૂ થયું છે. વરસાદને પગલે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
ADVERTISEMENT
નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ
નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદની એન્ટ્રી થઈ છે. બે દિવસથી ઘેરાતા વાદળો વચ્ચે ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન. ત્યારે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સવારમાં વરસાદી માહોલ જામતા ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગની 24 જૂન બાદ વરસાદ શરૂઆત થવાની અગાહીને પગલે ચોમાસાની સિઝનની શુભ શરૂઆત થઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
પંચમહાલ, વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
પંચમહાલ ભારે ઉકળાટ બાદ સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના ગોધરા, શહેરા, હાલોલ, મોરવા હડફ તથા કાલોલ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તો જાંબુઘોડામાં 2.5 ઈંચ અને ઘોઘંબામાં પોણા ઈંચ વરસાદ પડ્યો હતો. ગોધરામાં ભારે વરસાદને પગલે APMCમાં રાખેલા શાકભાજી તણાવા લાગ્યા હતા. તો વડોદરાના સાવલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ડભોઈ શહેર અને તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ભરૂચ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હેતાલી શાહ, નરેન્દ્ર પેપરવાલા, શાર્દુલ ગજ્જર, રોનક જાની)
ADVERTISEMENT
ADVERTISEMENT