Jamnagar Rain : હવે જામનગર જળમગ્ન! ઘરો ડુબ્યા... ડ્રોન કેમેરામાં દેખાયા ભયંકર દ્રશ્યો, હેલિકોપ્ટરથી 11નું રેસ્ક્યુ, યુવક વીજપોલ પર ચડ્યો
રાજકોટ, અમદાવાદ બાદ હવે જામનગર શહેરમાં મેઘરાજાનું રૂદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જામનગર શહેરની સ્થિતિ એવી છે કે આખા શહેરમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આખું જામનગર શહેર પાણીમાં ડૂબેલું છે. જામનગર જીલ્લામાં 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
ADVERTISEMENT
Heavy Rain in Jamnagar : રાજકોટ, અમદાવાદ, વડોદરા બાદ હવે જામનગર શહેરમાં મેઘરાજાનું રૂદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જામનગર શહેરની સ્થિતિ એવી છે કે આખા શહેરમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આખું જામનગર શહેર પાણીમાં ડૂબેલું છે. સોસાયટીઓમાં પાણી, ઘરોમાં પાણી, વાહનો પાણીમાં ડૂબ્યા... જામનગર જીલ્લામાં 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 10 થી 12માં ત્રણ ઇંચ વરસાદ અને છ કલાકમાં ચાર ઇંચ વરસાદ થતાં જામનગર જળબંબોળ થયું હતું. ત્યારે જામનગર જીલ્લાના 15 ડેમો ઓવરફ્લો થયા છે અને શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જામનગર શહેર અને જિલ્લામાં ફાયર અને NDRFના જવાનો આવ્યા લોકોની વ્હારે આવ્યા છે. તો એરફોર્સ અને પોલીસની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી છે. જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ફાયરની 10 ટીમ અને NDRFની 1 ટીમ દ્વારા 100થી વધુ લોકોનું બચાવકાર્ય હાથ ધરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રંગમતી ડેમના 5 દરવાજા ખોલાયા
તો જામનગર શહેરમાં આવેલ રંગમતી ડેમના 5 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જામનગરની રંગમતી નાગમતી નદીમાં ઘોડાપુર આવ્યાં છે, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જામનગર શહેરના સ્મશાન ગૃહમાં પણ નદીના પુરનું પાણી ઘુસી જતા સ્મશાન ગૃહ બંધ કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે જામનગરની તારાજીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે.
જામનગર શહેરના ડ્રોન કેમેરાના દ્રશ્યો
જામનગર શહેરની ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલી તસવીરો સામે આવી છે. જે દર્શાવે છે કે શહેરમાં અતિવૃષ્ટિથી વ્યાપક તારાજી સર્જાઈ છે. રણજીતસાગર વિસ્તારના પટેલ પાર્ક, વૃંદાવન પાર્ક, મોદી સ્કુલ, કાલીંદી સ્કુલ જેવા વિસ્તારોમાં જળ હોનારતન સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો જામનગરનો મેળો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો છે અને એક યુવક જીવ બચાવવા વીજપોલ પર ચડેલો જોવા મળ્યો છે. જે મદદ માંગી રહ્યો છે.
ADVERTISEMENT
વીજપોલ પર ચડેલા યુવકને હેલિકોપ્ટરની મદદથી બચાવાયો
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે એક યુવક જીવ બચાવવા માટે થાંભલા પર ચડી ગયો હતો. ત્યારબાદ આ થાંભલા પર ફસાયેલ યુવકને જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો.
નવાગામમાં 11 લોકોનું હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પ્રાંત અધિકારી લાલપુર અને ટીમ દ્વારા સતર્કતા દાખવી એરફોર્સના હેલિકોપ્ટર મારફત સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું અને જીવનું જોખમ ટાળ્યું હતું.
ADVERTISEMENT
મંગળદીપ સોસાયટીના લોકોનું પોલીસે કર્યું રેસ્ક્યૂ
જામનગર શહેરના રણજીતસાગર રોડ પાસે આવેલ મંગળદીપ સોસાયટીમાં પાણી ભરાતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડા અને સર્વેલન્સ ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરીને તેને સ્થળાંતર કરાયા હતા.
ADVERTISEMENT
બચુનગર વિસ્તારમાં 12 લોકોનું રેસ્ક્યૂ
જામનગર શહેરમાં બચુનગર વિસ્તારમાં જલ ભરાવને કારણે ફસાયેલ 12 જેટલા લોકોનું મામલતદાર, જામનગર શહેર અને SDRF ટીમ દ્વારા બચાવકાર્ય હાથ ધરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હોમગાર્ડ દળ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરાયા
ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો માટે જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળના જવાનો દ્વારા ફુડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદરૂપ થવા જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
જામનગરના લોકો માટે ઈમરજન્સી નંબર
જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સૌ નાગરિકોને સતર્ક રહેવા તેમજ આપાતકાલિન સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અપીલ છે.
ADVERTISEMENT