દિલ્હીમાં 5.7નો ભૂકંપ આવ્યા પછી ગુજરાતના અમરેલીમાં 30 મિનિટ પછી ધરા ધ્રુજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ દિલ્હી એનસીઆરમાં આજે 5.7ની તિવ્રતા વાળા ભૂકંપની અનુભૂતિએ સહુને ડરાવી મુક્યા હતા. ભારતીય સમયાનુસાર સાંજે 7.57 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો અને તે પછી ગુજરાતના અમરેલીમાં આવેલા મિતિયાળામાં સાંજે 8.36એ ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સતત છેલ્લા દોઢેક મહિનાથી મિતિયાળા ગામના લોકો ભૂકંપના ઝટકાઓથી એવા પરેશાન છે કે આટલી કડકડતી ઠંડીમાં પણ તેઓ ડરના કારણે ઘરમાં બંધ બારણે નહીં પરંતુ બહાર ખુલ્લામાં સુવા મજબુર બન્યા છે. ઉલ્લેખનીય છે કે આ બાજુ પાકિસ્તાન અને ઈસ્લામાબાદ તથા લાહોરમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા છે. જોકે રિક્ટર સ્કેલ પર અઢીથી નીચેનો આંચકો નોંધાતો નથી, તેથી ગુજરાતમાં પણ આવો જ આંચકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તરફ તંત્ર પણ સતત મિતિયાળા ગામના લોકોને ડરશો નહીં એટલું કહે છે પરંતુ ગામ જાણે છે કે આ ભય કેવો છે.

સિંહ-દીપડાના ભય વચ્ચે ઠંડીમાં સુવા મજબુર
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા મિતિયાળા ગામમાં 1800ની વસ્તી છે. મિતિયાળા અભ્યારણીય જંગલને અડીને આવેલું ગામ છે અને સિંહ-દીપડા જેવા હિંસક પશુઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે. જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાળા વાસીઓને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે.

એક જ દિવસે ચાર આંચકાઓ
અગાઉ સોમવારે મિતિયાળા ગામમાં સવારે 7.42 એ પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવ્યો, બાદમાં બપોરે 5.55 એ ફરી ધરા ધ્રુજીને સાંજના 7.05 મિનિટે ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો. ત્યારે રાત્રીના 8.34 એ ચોથીવાર મિતિયાળાની ધરા ધ્રુજતા આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયુંને રાત્રીના ક્યાંક ભૂકંપનો આંચકો આવે ને મકાન ધરાશાહી થવાની ગંભીર દહેશત વચ્ચે ગામના નાના-નાના ભૂલકાઓથી લઈને વયો વૃદ્ધો પોતાના મકાનની બહાર ફળિયામાં સુવાની મજબૂરી ઊભી થઇ છે. ફળિયામાં ખાટલાઓ ઢાળીને વચ્ચે તાપણું કરીને સિંહ-દીપડા જેવા હિંસક પશુઓના ડર કરતા ભૂકંપનો ભય એટલી હદે મિતિયાળા વાસીઓના હૃદયમાં પેસી ગયો છે કે પોતાના મકાનના રૂમ બંધ કરીને બહાર કડકડતી ઠંડીમાં સુઈ રહ્યા છે. જાયે તો જાયે કહાંની સ્થિતિ મિતિયાળામાં જોવા મળી રહી છે. મિતિયાળા ખાતે રહેતા લોકોને જંગલ નજીક હોયને સિંહ, દીપડાઓની કાયમી લટાર ગામમાં હોવા છતાં ભૂકંપના વારંવાર ઝટકાઓથી એટલી ફડક પેસી ગઈ છે કે સિંહ, દીપડા હુમલો કરશે ને તો બચવાની શક્યતાઓ રહેશે પણ જો ભૂકંપના આંચકાઓથી મકાન જ ધરાશાઈ થઈ જાશે તો જીવ જવાનો ભય વધી ગયો છે. ત્યારે મિતિયાળા વાસીઓના રાત ઉજાગરા શરૂ થયા છે.

ADVERTISEMENT

દોઢ મહિનામાં 40 જેટલા ભૂકંપના આંચકા
મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસમાં 40 જેટલા ભૂકંપના આંચકાઓ સહન કરી ચૂક્યું છે. ભૂકંપના આંચકાઓથી ઘરમાં રાખેલા વાસણો પડી જાય છે ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે ને તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂકેલા સરપંચ પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા તંત્ર સામે લાચાર બની ગયા છે. શિયાળાની કડકડતી ઠંડી હોયને ઉપરથી હિંસક પશુઓના રહેઠાણ વચ્ચે પણ ભૂકંપનો ભય મિતિયાળા વાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

(વીથ ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT