Gujarat Rain: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, ભારે પવન, ગઢડામાં સતત બીજા દિવસ જોરદાર બેટીંગ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાના તબક્કે છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ…
ADVERTISEMENT
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાના તબક્કે છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. સાંજના સમયે વાતાવરણ અચાનક પલ્ટ્યું હતું અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાણી ફરી વળ્યું છે.
ગઢડા શહેર તેમજ તાલુકાના ઢસા, પડવદર, ગોરડકા, અડતાળા, ગુદાળા, સમઢીયાળા, વનાળી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. સતત બે દિવસથી વરસાદ પડતાં ગરમીમાં રાહતઅને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અંબાજીમાં પણ વરસાદ
અંબાજીમાં આજે બપોર પછી વરસાદ વરસ્યો હતો. અંબાજી મેળામાં દર્શન કરવા આવેલા મોટી સંખ્યામાં ભક્તો વરસાદમાં પલડતા નજરે પડ્યા હતા. પોલીસ સ્ટેશન પાસે સ્ટોલ લગાવીને ધંધો કરતા વેપારીઓના દુકાનો આગળ પણ પાણી ભરાઈ ગયું હતું. અંબાજી હાઈવે પર પાણી ભરાયું હતું. ઘણા ભક્તો તો પાણીમાં પણ ચાલતા નજરે પડ્યા હતા. પોલીસ સ્ટેશન પાસે જ ઘુંટણ સમુ પાણી ભરાઈ ગયું હતું. કેટલાક ભક્તો વરસાદ આવતા જ્યાં ટેંટમાં જગ્યા મળી ત્યાં ભેગા થઈ ગયા હતા.
ADVERTISEMENT
અમરેલીમાં સતત વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તરોમાં વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદના લોર અને આજુબાજુના ગામોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા ખેડૂતો આ છેલ્લા સમયમાં સારો વરસાદ જોઈ હરખાયા હતા. અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ મેઘો મુશળધાર વરસ્યો હતો. ખાંભા ગીર પંથકમાં મેઘો મહેરબાન થયો હતો. ખાંભાના ઇંગોરાળા,ભાડ,નાના વિસાવદર, નાનુડી, નાની ધારી સહિતના ગામડામાં વરસાદ પડ્યો હતો. ખાંભા ગીર પંથકમાં આ સતત છઠ્ઠા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે ગામડાઓમાં મેઘ રાજાની ભારે બેટીંગ જોઈ ખેડૂતોમાં રાહતની લાગણી હતી. સાઝે જ વડિયા પંથકમાં વીજળી સાથે વરસાદ વરસ્યો હતો. વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. ખેતરોમાં પાણી જોવા મળ્યા હતા.
મહીસાગર જિલ્લામાં નવ દિવસ બાદ વરસાદ
મહીસાગર જિલ્લામાં નવ દિવસ બાદ વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લાના સંતરામપુર તેમજ લુણાવાડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ગરમીથી લોકોને રાહત મળી છે. વીજળીના કડાકા સાથે શરૂ થયો ધોધમાર વરસાદ પડ્યો છે. નવ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. પવન અને ગાજવીજ સાથે વરસાદ થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મુશળધાર વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકો પણ પરેશાન થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT