Gujarat Rain: બંધ કરવા પડ્યા 180 રોડ, જૂનાગઢના વિસાવદરમાં 7.5 ઈંચ વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ પછી પડેલા વરસાદને પગલે એક તરફ રાહતનો દમ લેવાયો હતો ત્યાં…
ADVERTISEMENT
Gujarat Rain: ગુજરાતમાં આગાહી પ્રમાણે ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ પછી પડેલા વરસાદને પગલે એક તરફ રાહતનો દમ લેવાયો હતો ત્યાં અચાનક પડી રહેલા ધમધોકાટ વરસાદને પગલે ઠેરઠેર નદીઓ ધસમસતી બની રહી છે. સાથે જ ગુજરાતના ઘણા રોડ રસ્તા અને કેટલાક મકાનોને પણ નુકસાન થવા પામ્યું છે. આ સ્થિતિને જોતા આજે ગુજરાતમાં ભારે વરસાદને લઈને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક મળી હતી જેમાં કેટલીક માહિતીઓ અંગે વાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં વરસાદને લઈને કેવી છે સ્થિતિ
રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં ૩,૩૪,૦૮૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો નોધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં ૪,૯૮,૩૧૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો નોંધાયો છે.
રાજ્યભરના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
બેઠકમાં કઈ બાબતો પર થઈ ચર્ચાઓ
ગાંધીનગરમાં આજે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા બેઠક કરાઈ હતી. રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજ્યમાં વરસાદના કારણે ફસાયેલા લોકોના રેસ્કયું અંગે સમીક્ષા કરી હતી. વિવિધ સ્થળોએ પૂરની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાને લઇને સમીક્ષા કરાઈ હતી. સ્થળાંતર કરાયેલા લોકોની વ્યવસ્થા માટે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી. બંધ થયેલા માર્ગો ઝડપથી કાર્યરત થાય તે અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. સાથે જ વિગતો મેળવાઈ હતી કે, સવારે ૬ થી ૧૦ માં રાજ્યમાં ૧૩૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જૂનાગઢના વિસાવદર તાલુકા માં ૭.૫ ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદર તાલુકા માં ૫.૫ ઈંચ વરસાદ, મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં ૩ ઈંચ થી વધુ વરસાદ, સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી માં ૧૦૧ તાલુકા માં વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી છે, સરદાર સરોવર ડેમ માં ૬.૧૫ લાખ ક્યુસેક પાણીની આવક છે. સરદાર સરોવર ડેમમાંથી ૫.૯૪ લાખ ક્યુસેક પાણીની જાવક છે. હાલ સરદાર સરોવર ડેમના ૨૩ ગેટ ૩ મીટર ખુલ્લા છે. આણંદના બોરસદ તાલુકામાં કેટલાક લોકો ગામમાં ફસાયા હતા. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સની મદદ મંગાઈ હતી. બોરસદના ગજાણામાં ફસાયેલા લોકોને બહાર નીકાળવા એરફોર્સની ટીમ રવાના કરાઈ હતી. ઉપરાંત રાજ્યમાં 180 રોડ બંધ છે, જેમાં 2 નેશનલ હાઈવે બંધ થયા છે. 15 સ્ટેટ હાઈવે બંધ થયા છે. 144 પંચાયત હસ્તકના રોડ બંધ થયા છે અને 19 અન્ય માર્ગો બંધ થયા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ, બ્રિજેશ દોશી, ગાંધીનગર, હિતેશ સુતરિયા, અરવલ્લી, હસમુખ પટેલ, બનાસકાંઠા, નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT