અમદાવાદ, સુરત અને ભાવનગર સહિત 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકારની મંજૂરી
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી…
ADVERTISEMENT
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ આ જે 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે, તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે.
સુરતમાં 4 ટીપીને મંજૂરી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 27 ભટાર-મજૂરા, સ્કીમ નં.51 ડભોલી, સ્કીમ નં. 50 વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં.85 સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી મળી છે. સુરત મહાનગરપાલિકાની આ 3 પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ 8.94 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે 16.96 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે 8.58 હેક્ટર્સ જમીન પર 7600 આવાસોનું નિર્માણ થઇ શકશે.
અમદાવાદમાં લાંભા-લક્ષ્મીપૂરા ટીપીને મંજૂરી
અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 81 લાંભા-લક્ષ્મીપૂરા-1 માં કુલ 19.68 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 8.05 હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતના મેદાન માટે 3.12 હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે 2700 આવાસોના નિર્માણ માટે 3.01 હેક્ટર્સ જમીન મળશે.
ADVERTISEMENT
ભાવનગરમાં પણ ટીપી સ્કીમને મંજૂરી
ભાવનગર મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ 7 અધેવાડાને પણ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ 11.32 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે 1.57 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 2.81 હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા વેચાણના હેતુ માટે 4.57 હેક્ટર્સ જમીન મળશે. આ ઉપરાંત ભાવનગરની આ પ્રિલીમીનરી ટી.પી નં.7 અધેવાડામાં 2.94 હેક્ટર્સ જમીન પર 2600 EWS આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે.
બાવળામાં 54.88 હેટર જમીન પ્રાપ્ત થશે
મુખ્યમંત્રીએ આ ત્રણ મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.4 (બાવળા)ને પણ મંજૂરી આપી છે. આ સ્કીમમાં કુલ 54.88 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થવાની છે. બાવળાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં. 4માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવા વેચાણના હેતુસર 25.64 હેક્ટર્સ, ખૂલ્લા મેદાનો-બાગ બગીચા માટે 7.81 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 11.26 હેક્ટર્સ તથા 8 હજાર જેટલા EWS આવાસો માટે 8.95 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT