PM નરેન્દ્ર મોદીની માનગઢ મુલાકાત અને તેની અસર ગુજરાતની 27 વિધાનસભા બેઠકો પરઃ જાણો શું છે રાજકીય ગણિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30મીથી 1 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે જોકે 1 નવેમ્બરે તેઓ રાજસ્થાનના માનગઢ ટેકરી પર જવાના છે. માનગઢ ટેકરી એક આઝાદી સમય દરમિયાન આદિવાસી લડવૈયાઓના અંગ્રેજો દ્વારા કરાયેલા સંહારની એવી જગ્યા છે જ્યાં તેમના બલિદાનને આજે પણ આદિવાસીઓ માનભેર પુજે છે. આ સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમથી ગુજરાતની એસટી માટે રિઝર્વ એવી 27 વિધાનસભા બેઠકો પર પડશે તેવું સ્પષ્ટ ગણિત રાજકીય પંડીતો ગણી રહ્યા છે.

1 લાખ આદિવાસીઓ વડાપ્રધાનની સભામાં આવવાનો અંદાજ
વડાપ્રધાન મોદી રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ખાતે આવેલા આદિવાસી સમાજના મુખ્ય તીર્થસ્થાન સમાન માનગઢ ધામ પર 1 નવેમ્બરે એક મોટી જનસભાને સંબોધન કરવાના છે. આ સભામાં લગભગ એક લાખ આદિવાસી લોકો હાજર રહેશે તેવો અંદાજ છે. આ લોકો ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ હશે. આમ જોવા જઈએ તો આ મુલાકાતથી રાજસ્થાનની 25 રિઝર્વ બેઠકો, ગુજરાતની 27 રિઝર્વ બેઠકો ઉપરાંત મધ્યપ્રદેશની પણ 47 એસટી માટેની અનામત બેઠકો પર તેની સીધી અસર પડશે.

ગહેલોતે પણ નાખી ગુગલી
કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ પહેલા એવી આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદી જ્યારે માનગઢ આવે ત્યારે તેઓ તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરે. તેમની આ આશા એમ જ વ્યક્ત કરવામાં આવી છે તેવું પણ નથી તેના પાછળના પણ ગણિતમાં રાજકીય વિશ્લેષકો માને છે કે જેમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમથી આદિવાસી બેઠકો પર ભાજપની પક્કડ મજબુત કરવા માગી રહ્યા છે તેવું જ કોંગ્રેસ પણ આવું નિવેદન કરીને આ પક્કડને ઢીલી કરવા માગી રહ્યા છે. કારણ કે લાંબા સમયથી આદિવાસીઓ આ માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાય તેવી માગણીઓ કરી ચુક્યા છે.

ADVERTISEMENT

રાજ્યકક્ષાના મંત્રી ડો. કુબેર ડિંડોરે કહ્યું…
ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા માનવઢ હિલ કે જ્યાં આદિવાસી સમાજના સમાજ સુધારક ગોવિંદ ગુરુની ધૂણી આવેલી છે અને જ્યાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે. માનગઢ ખાતે 1507 જેટલા આદિવાસી સુરમાઓ 17 નવેમ્બર 1913 ના રોજ અંગ્રેજો સામે લડત લડતા લડતા શહીદ થયા હતા અને જલિયાવાલા બાગ કરતા પણ મોટો નરસંહાર થયો હતો અને આ સ્થળ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બર ના રોજ આવશે ત્યારે આ સ્થળ ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવી તેવી શકયતાઓ છે જેને લઇ આદિવાસી સમાજમાં ઉત્સાહ છે. આદિવાસી નેતા સંતરામપુરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. કુબેર ડીંડોરે ગુજરાત તકના સંવાદદાતા વીરેન જોશી સાથે વાત કરતા કહ્યું હતું કે, અંગ્રેજો સાથે આદિવાસી લડવૈયાઓની શહિદીને 100 વર્ષ થઈ ગયા. ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજને સાથે જ સંસ્કારવાન બનાવવાનું કામ કર્યું હતું. 17 નવેમ્બર 1913ના દિવસે વિવિધ સ્થાનોથી આદિવાસી અનુયાયીઓ આવ્યા હતા. હથિયાર વગરના નિહથ્થા અદિવાસીઓ પર અંગ્રેજોએ હુમલો કર્યો હતો. જેને બહાર લાવવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. આ મુદ્દો આદિવાસી સમાજનો નહીં પરંતુ રાષ્ટ્રનો છે. 1507 આદિવાસી સુરમાઓ શહીદ થયા છે. તેથી સમાજની માગ હતી કે રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે. અમારી પણ માગણી છે કે આ સ્મારકને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે, અને તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

82 લાખ મતદારો અને 27 બેઠકોના ગણિત
આમ તો ગુજરાતમાં જોવા જઈએ તો આદિવાસીઓની સંખ્યા 1 કરોડ આસપાસની છે. જેમાં 80થી 82 લાખ જેટલા મતદારો છે, વિધાનસભાની 27 બેઠકો પર આ મતદારોના મતથી કેટલી અસર પહોંચી શકે છે તે નરેન્દ્ર મોદી પણ સારી રીતે જાણે છે અને અશોક ગહેલોત પણ. ઉલ્લેખનીય છે કે જ્યારે વનબંધુ યોજના નામથી આદિવાસીઓના વિસ્તારમાં વિકાસ કામો માટેની યોજના વર્ષ 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તૈયારીઓ કરવામાં આવી હતી તે પછીથી આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો અને આ યોજનાઓના પછી આદિવાસીઓનો ઝુકાવ ભાજપ પ્રત્યે ધીમે ધીમે વધી ગયો હતો. જોકે તે પછીથી ઘણો લાંબો સમય થયો અને આ પક્કડને વધુ મજબુત કરવી આગામી વિધાનસભા માટે કેટલી જરૂરી છે તે પર પણ એક નજર કરવી જ રહી. કારણ કે ગહેલોતે તો માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ સાથે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે.

ADVERTISEMENT

2013માં નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્રનું કર્યું હતું સમ્માન
ઈન્ડિયા ટુડેએ 1997માં ઉત્તર ગુજરાતના વિજયનગર નજીક પાલ-ચિતારિયામાં અંગ્રેજો દ્વારા 1922માં 1,200 આદિવાસીઓના કરેલા નરસંહાર પરથી પડદો ઉચક્યો હતો. ગુજરાત સરકારે વર્ષ 2013માં 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અંગ્રેજો સામે આદિવાસીઓની શહાદતની શતાબ્દી ઉજવશે. માનગઢ હિલ પર ગોવિંદ ગુરુના નામે બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્ર માનસિંહનું પણ સન્માન કર્યું હતું. તે સમયના કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં 80,000 થી વધુ ભીલોએ ભાગ લીધો હતો. હવે ફરી જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે ત્યારે વધુ એક વખત માનગઢ આવી રહ્યા છે તેનો તેમને ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે અને તેમની મુલાકાતથી આદિવાસીઓના ભાવીમાં કેટલો સુવર્ણકાળ આવવાનો છે તે આવનારા દિવસોમાં ખબર પડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT