ગુજરાતમાં ચૂંટણી પહેલાના મોટા સમાચારઃ નીતિન પટેલે આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કેટકેટલાય રંગો અને દાવપેચ જોવા મળવાના છે તે નક્કી છે. રાજકારણ કઈ હદે જઈ શકે તેવા પણ કિસ્સાઓ લોકો જોશે. જોકે આ આખા રાજકારણના ખેલમાં કોંગ્રેસની હાલત વધુ તકલીફમાં હોય તેવી જોવા મળી રહી છે. હાલમાં એક સાંધવા જાય ત્યારે તેર તૂટી જાય છે. કોંગ્રેસને હજુ ઉમેદવારો કોને નક્કી કરવા તેની ગાંઠ ઉકેલવામાં પડ્યા છે ત્યાં અમદાવાદ કોંગ્રેસના આગેવાન એવા નીતિન પટેલે કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી સામે રાજીનામુ ધરી દીધું છે. આમ તો કોંગ્રેસ માટે નીતિન પટેલ પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના સંભવિત લિસ્ટમાં પ્રબળ દાવેદારી ધરાવતા નેતા હતા કારણ કે તેમણે ગત 2017ની વિધાનસભા ચૂંટણી વખતે નારણપુરા વિધાનસભાથી ઉમેદવારી કરી હતી.

જગદીશ ઠાકોરને સોંપ્યું રાજીનામું
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ કોંગ્રેસના દમદાર નેતાઓના લિસ્ટમાં સમાવિષ્ટ એવા કોંગ્રેસ ડેલીગેટ પ્રદેશના પૂર્વ મંત્રી નીતિન પટેલનું રાજીનામું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. નીતિન પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામાથી ગુજરાત કોંગ્રેસમાં રીતસરની ધ્રુજારી જોવા મળી હતી. તેમના સમર્થકોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય રહી હતી. તેમણે જગદીશ ઠાકોરને રાજીનામુ આપતા લખ્યું હતું કે, આ સાથે જણાવવાનું કે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

અમિત શાહની પરંપરાગત નારણપુરા બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે તેમણે અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ અહીં રાજીનામામાં પોતાના રાજીનામા આપવાનું કારણ ક્યાંય ઉલ્લેખ્યું ન હતું. જોકે અહીં ચાલતા ગણગણાટનું માનીએ તો તેઓ હવે કોંગ્રેસમાં રહેવા માગતા ન હતા અને આગામી સમયમાં પક્ષ સાથેની કોઈ કામગીરીમાં જોડાવા માગતા ન હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે, ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરંપરાગત બેઠક એવી અમદાવાદની નારણપુરા બેઠક પરથી તેઓ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ચુક્યા છે. આ બેઠક પરનું પરિણામ આપ સહુ જાણો છો પરંતુ અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ બેઠક પરથી 41 હજાર મત નીતિન પટેલના ખાતામાં પડ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT