‘ગોપાલ ઈટાલિયા આયાતી ઉમેદવાર’- કહેનારા કતારગામ બેઠકના AAP નેતાનું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં હાલમાં જ આમ આદમી પાર્ટીના ત્રણ પાટીદાર અનામત આંદોલન દરમિયાનના મિત્રો એવા ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને પાર્ટીએ ટિકિટ આપી છે. પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાને કતારગામ બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી છે. જ્યાં તેમના નામની જાહેરાત થતાં જ પાર્ટીમાં નારાજગીનો સૂર ઊંચો થયો છે. આ કારણે પાર્ટીના એક નેતાએ રાજીનામું પણ આપી દીધું છે.

પાર્ટીએ ટિકિટ ન આપી તો પાર્ટીને આપ્યું રાજીનામુ
સુરતના કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયા ઉમેદવારી કરી રહ્યા છે. ઉપરાંત ઓલપાડ બેઠક પરથી ધાર્મિક માલવિયા અને વરાછા બેઠક પરથી અલ્પેશ કથિરિયા ચૂંટણી લડવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારો અને ઉમેદવારો વચ્ચેની નારાજગી પણ એક ચર્ચાનો વિષય બને છે. આવા જ એક દાવેદાર રાજુ દેવડા આમ આદમી પાર્ટી માટે છેલ્લા એકાદ વર્ષથી કામ કરી રહ્યા છે. જોકે તેમણે પણ કતારગામ બેઠક પરથી પાર્ટી ચૂંટણી લડાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી પરંતુ જ્યાં આ જ બેઠક પર પ્રદેશ પ્રમુખની નજર હોય તો ત્યાં તેમના ગણિત કેમના સાચા પડે? પાર્ટીએ તેમને ટિકિટ આપી નહીં અને હવે તેમણે પાર્ટીને રાજીનામુ આપી દીધું છે.

તેમના સિવાય બીજા કોઈના રાજીનામા નથીઃ યોગેશ જાધવાણી
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાણી કહે છે કે, રાજુ દેવડાનું કહેવું છે કે ગોપાલ ઈટાલિયા આયાતી ઉમેદવાર છે પરંતુ તેઓ વર્ષ 2015થી કતારગામાં છે, અહીં તેમણે કામ કર્યા, લોકો સાથે સંબંધો બનાવ્યા છે. તો પછી એ આયાતી ઉમેદવાર બનતા નથી. રાજુભાઈ દેવડા પહેલાથી જ ચૂંટણી લડવાના ઈરાદાથી પાર્ટીમાં જોડાયા હતા. જોકે આ ઈચ્છા હાલ પુરી થઈ નહીં તેથી તેઓમાં નારાજગી છે અને તેમણે પાર્ટીને સોશિયલ મીડિયા પર જ રાજીનામુ આપી દીધું છે. તેઓ અગાઉ સુરતના પાર્ટીના ઉપાધ્યક્ષ હતા પરંતુ જ્યારે હોદ્દાઓની ફેરબદલી થઈ ત્યારે તેમને તે પદ પરથી હટાવ્યા પછી કોઈ પણ અન્ય કાર્યભાર સોંપાયો ન હતો. આ બેઠક પરથી માત્ર તેમનું એકલાનું જ રાજીનામુ છે અન્ય કોઈએ તેમને ટેકો કરીને રાજીનામા આપ્યા નથી.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT