બોલો… ધનતેરસમાં ‘ધનકુબેર’ જ ખાલીઃ ગોધરામાં વિવિધ ATM મશીનમાં રૂપિયાની તંગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ ધનતેરસમાં સમાન્યતઃ આપણે ધનની પુજા કરીએ, લક્ષ્મીજીની પુજા કરીએ અને લક્ષ્મી દેવીને ભાવથી આપણા ઘરે આવકાર આપીએ કારણ કે આવનારા વર્ષમાં પણ આપણા પરિવાર પર કે સ્વજનો પર તેમની કૃપા બની રહે તેવી હિન્દુ ધર્મમાં પુજા અર્ચનાઓ કરવામાં આવતી હોય છે. જોકે જ્યારે ધનતેરસના દિવસે જેમને ધનકુબેર કહી શકાય તેવી વિવિધ બેન્કના એટીએમમાં જ તેની અછત પડી જાય તો શું. દિવાળીના તહેવારમાં ખરીદી કરવી હોય, વગેરે તહેવાર મનાવવા જરૂરી રોકડ રૂપિયા એટીએમમાંથી મળે જ નહીં કે મેળવવા માટે રઝડપાટ કરવો પડે તો શું. આવી જ કાંઈક હાલત ગુજરાતના ગોધરાની છે. અહીં ઘણા એટીએમમાં રુપિયાની તંગી જોવા મળી રહી છે.

લોકો કરી રહ્યા છે આવી હળવી ટીખળ
હાલમાં જ જ્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમો હળવા કરતી વખતે કહ્યું હતું કે જો કોઈને દિવાળીમાં નાની મોટી ખરીદી કરવી હોય, અને તેમની બચત ટ્રાફિકના દંડ રૂપે પોલીસના ખાતામાં ન જાય અને તેમની બચતની અમે ચિંતા કરીએ છીએ એટલે 27મી ઓક્ટોબર સુધી ટ્રાફિકના નિયમોમાં અમે છૂટ આપી છે. જોકે હવે લોકોમાં એવી ટીખળ થઈ રહી છે કે, આવી જ એક જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પછી કદાચ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ કે રિઝર્વ બેન્કે, અથવા દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે પણ કરવી જોઈતી હતી કે તમે તમારી બચત સરળતાથી બેન્કના નિયમો અનુસાર એટીએમમાંથી ઉપાડી શકશો. કારણ કે રઝળપાટ વગર રૂપિયા એટીએમમાંથી નીકળે તો વાપરવા ને… જોકે ચર્ચાઓ અને કટાક્ષો તો ચાલતા રહેવાના પરંતુ હાલ લોકો માટે ધનતેરસના દિવસે જ તેમના રૂપિયા એટીએમમાંથી ઉપાડવા પરેશાનીનું કામ થઈ ગયું છે.

છતાં પૈસે ઠનઠન ગોપાલ જેવી હાલત
ગોધરાના અનેક વિસ્તારોમાં એટીએમ મશીનમાં પૈસા નથી, ઘણી જગ્યાએ એટીએમ મશીન પણ બંધ હાલતમાં છે. હવે દિવાળીના તહેવાર વચ્ચે અનેક લોકો એવા છે જેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા હોવા છતાં તે રૂપિયા ઉપાડી શકતા નથી કારણ કે હવે આજથી બેન્ક પણ બંધ થઈ જશે. તો પ્રજાને પોતાના નાણા ઉપાડવા માટે અધિકારીઓના આયોજનના અભાવે પીડા ભોગવવાનો વારો આવશે તે નક્કી છે. ગોધરામાં ઘણા સ્થાનો પર Bank Of Baroda, Axis bank ATM સાવ ખાલી જોવા મળ્યા હતા. આમ તો ઘણી વખત સામાન્ય દિવસોમાં પણ લોકોની આવી હાલત તો થતી જ રહે છે પણ લોકો તેને પોતાની કિસ્મતનો દોષ આપી દે છે, પણ હાલ તો દિવાળી છે. ઘરમાં નાણાંની જરૂર આ દરમિયાન કેટલી રહે છે તે તમામ જાણે છે. કારણ કે આપણે તો પ્રણામ કરનાર નાનકાઓને પણ રોકડ રૂપી ભેટ આપવાની પ્રથા ધરાવીએ છીએ. હવે જોવું રહ્યું કે લોકો પોતાની દિવાળી કેટલી મુસીબતો સાથે ઉજવશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ શારદુલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT