Teachers Day: આણંદમાં ચાલતી અનોખી ફૂટપાથ શાળા, ગરીબ-ઝુંપડપટ્ટીના 60 બાળકો કરી રહ્યા છે અભ્યાસ
Teachers Day Special: બ્લેક બોર્ડ, સફેદ ચોક, લંચ બોક્સ, સ્કૂલ બસ, એન્યુઅલ ડે,સ્પોર્ટ્સ ડે તમને કદાચ અતિતરાગી બનાવી દેતા આ શબ્દો જીવનનો સામાન્ય હિસ્સો લાગતા…
ADVERTISEMENT
Teachers Day Special: બ્લેક બોર્ડ, સફેદ ચોક, લંચ બોક્સ, સ્કૂલ બસ, એન્યુઅલ ડે,સ્પોર્ટ્સ ડે તમને કદાચ અતિતરાગી બનાવી દેતા આ શબ્દો જીવનનો સામાન્ય હિસ્સો લાગતા હશે. પરંતુ સમાજના કેટલાક વર્ગ માટે તે દુર્લભ છે. શાળાનો ઉંબરો ઓળંગવાનું ચૂકી ગયેલા બાળકો ઘણું બધું ગુમાવતા હોય છે. પરંતુ સમાજમાં કેટલાક એવા લોકો છે જે આ સપનાને અધૂરા રહેવા દેતા નથી. આજે શિક્ષક દિવસે આવા જ એક વ્યવસાયે પ્રોફેસર અને છેલ્લા છ વર્ષથી ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારના બાળકોને જીવનનો એકડો ઘુંટાવતા ડો. ઉમા શર્માની આ વાત છે.
શિક્ષણ નગરી વલ્લભવિદ્યાનગરની એક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.ઉમા શર્મા આણંદ શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર જૂન-2018 થી અવિરતપણે સાંજના સમયે ફૂટપાથ શાળા ચલાવે છે. આ ફૂટપાથ શાળામાં હાલમાં 60 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકો ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારોના છે કે જેમના માથા પર છત પણ નથી. ડો.ઉમા શર્મા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 250 વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ફૂટપાથ શાળામાં રોજ 2-3 બાળકો ઉમેરાઈ રહ્યા છે
ડો.ઉમા શર્માએ એક મુલાકાતમાં જણાવ્યું કે, ફૂટપાથ શાળામાં દરરોજ બે થી ત્રણ બાળકો ઉમેરાતા જાય છે. આ બાળકો ચાર વર્ષથી લઈને 15 -16 વર્ષ સુધીની ઉંમરના છે. જેમાં શાળામાં પ્રવેશ લીધો ન હોય એવા બાળકો પણ છે. આ ફૂટપાથ શાળામાં ધો.10 સુધીના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જાય છે. સાંજના સમયમાં બાળકોને આ ફૂટપાથ શાળામાં અભ્યાસમાં મદદ થાય તેવું શિક્ષણ આપવા સાથે સમાજ અને રાષ્ટ્ર માટે એક ઉત્તમ નાગરિક તૈયાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
6 વિદ્યાર્થીઓ આ વર્ષે આપશે ધો.10ની પરીક્ષા
આ વર્ષે ફૂટપાથ શાળાના 6 વિદ્યાર્થીઓ ધો.10 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. તેમના માટે વધુ ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા કરવામાં પણ આવી રહી છે. હાલ શાળામાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ જેમ જેમ વિદ્યાર્થીઓ સફળ થતાં જશે તેમ તેમ ઉચ્ચ અભ્યાસ માટે જોગવાઈ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અક્ષરજ્ઞાન સાથે બાળકોનો ભોજન, કપડા પણ અપાય છે
આ ફૂટપાથ શાળામાં બાળકોને માત્ર અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય જ નથી થતું બલ્કે તેમની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ સાંજનું જમવાનું, કપડાં, પુસ્તકો, વાર તહેવારે જરૂરિયાતની વસ્તુઓ, આંખ, દાંતની તપાસ તેમજ કોઈ બાળક બિમાર પડે તો તેને સારવાર અને દવાની વ્યવસ્થા જેવી આરોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.
યુનાઇટેડ નેશન દ્વારા તા.12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ-ડે ની ઉજવણીના ભાગરૂપે આણંદના ડો.ઉમા શર્મા દ્વારા ચાલતી આ ફૂટપાથ શાળાના બાળકોએ યુનાઇટેડ નેશનન્સના સ્ટ્રીટ ચિલ્ડ્રન એમ્બેસેડર મેલકોનિયનના માર્ગદર્શન હેઠળ વિશ્વના નવ દેશોના સ્ટ્રીટ ચિલ્ડ્રન દ્વારા તૈયાર કરવામાં આવેલ ગીતમાં ભાગ લઈ દેશનું પ્રતિનિધત્વ કર્યું હતું. જેનું પ્રસારણ યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ફલક પર કરવામાં આવ્યું હતું.
ડો. ઉમા શર્મા અમદાવાદમાં ફૂટપાથ પર ભણેલા છે
ડો.ઉમા શર્માએ અમદાવાદમાં ભૂતની આંબલી પાસેના ગેરેજના ફૂટપાથ પર ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1993 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષયમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયા બાદ પી.એચ.ડી. સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સાથે સાથે M.H.R.M અને ડિપ્લોમા ઇન યોગની પદવી પણ ધરાવે છે. તેઓ છેલ્લા 26 વર્ષથી વિવિધ કોલેજમાં શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર જીવન શિક્ષણને સમર્પિત કર્યું છે. નાનપણથી આવા શ્રમજીવી બાળકોને ભણાવવાનું કામ કર્યું છે અને પોતે પણ ઉચ્ચ અભ્યાસ આ જ પરિસ્થિતિમાં મેળવ્યો છે.
કેવી રીતે શરૂ થઈ ફૂટપાથ શાળા?
લગ્ન બાદ ડો.ઉમા શર્માએ આણંદમાં વસવાટ કર્યો. જ્યારે સાંજના સમયે તેઓ સરદાર પટેલ રાજમાર્ગ પર ચાલવા નીકળતા તે દરમ્યાન ગરીબ શ્રમજીવી બાળકોને રસ્તા પર ચોકથી લખતા જોઈ તરત જ પોતાનું બાળપણ યાદ આવી ગયું. બાળકો સાથે વાત કરતા આ બાળકો શાળાએ નથી જતા અને ભણવું છે, એ સાંભળતાની સાથે જ એ જ દિવસથી સરદાર પટેલ રાજમાર્ગના ફૂટપાથ પર આ ફૂટપાથ શાળાનો પ્રારંભ થયો.
ફૂટપાથ શાળાના બાળકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડો. ઉમા શર્માએ સિંચન દયા શકુન ફાઉન્ડેશનના નામે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થા ફૂટપાથ શાળાના બાળકોને વધુ અભ્યાસ માટે આર્થિક પીઠબળ પૂરું પાડે છે. ફૂટપાથ શાળાના બાળકો શિસ્તબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે.
ફૂટપાથ શાળા માટે લોકો વહાવી રહ્યા છે દાનનો ધોધ
આ સંસ્થાને આણંદ શહેર જિલ્લાના નાગરિકો તથા વિદેશમાં વસતા નાગરિકો આર્થિક આહુતિ આપી મદદ કરી રહ્યા છે. જેને પરિણામે આ શિક્ષણ યજ્ઞ આગળ ધપી રહ્યો છે. સંસ્થા દ્વારા બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમુલ તેમજ નિજાનંદ રિસોર્ટની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. સર્વે ભવન્તુ સુખીન: એ કામના સાથે દરેક ગરીબ બાળક ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનો, પોતાના પરિવારનો અને સમાજનો વિકાસ કરી શકે તેવા ધ્યેય મંત્ર સાથે ડો.ઉમા શર્મા અને તેમની સંસ્થા આ કાર્ય કરી રહી છે.
(હેતાલી શાહ)
ADVERTISEMENT