ડીસામાં પિતાએ લસ્સીમાં ઝેરી દવા ઉમેરી પરિવારને પીવડાવી દીધી, દાદી-પૌત્રો સહિત 7 લોકો હોસ્પિટલમાં
ડીસા: ડીસાના માલગઢ ગામમાં બુધવારે રાત્રે એક જ પરિવારના 7 સભ્યોએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હવે…
ADVERTISEMENT
ડીસા: ડીસાના માલગઢ ગામમાં બુધવારે રાત્રે એક જ પરિવારના 7 સભ્યોએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે, જે મુજબ ઘરના મોભી એવા પિતાએ જ બાળકો તથા દાદીને લસ્સીમાં ઝેરી દવા નાખીને પીવડાવી દીધી હતી. ઘટના બાદ તમામ અસરગ્રસ્તોને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી બાદમાં તમામને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વિગતો મુજબ આ ઘટનામાં પિતા તથા એક પુત્રની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, એવામાં તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરિવારના આપઘાતના પ્રયાસનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
પરિવારમાં તાજેતરમાં થયું હતું પત્નીનું નિધન
ડીસા તાલુકાના માલગઢ ગામમાં વાલ્મિકી પરિવારના દાદી-પિતા તથા પાંચ સંતાનોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિગતો મુજબ, મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા વ્યક્તિની પત્નીનું તાજેતરમાં જ મોત થયું હતું. પરિવારમાં બે દીકરી અને 3 દીકરા તથા દાદી સાથે તે રહેતો હતો. બુધવારે મોડી રાત્રે તમામ લોકોએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો તથા સંબંધીઓ દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
તમામ અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરીને મદદ માગવામાં આવી હતી. જે બાદ 108માં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ સુધી પરિવારે સામુહીક આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ હતી અને આપઘાતનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT