ગુજરાતમાં નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું પકડાયું, દોઢ વર્ષથી ચાલતો ઉઘરાણીનો ધંધો
Morbi News: ગુજરાતમાં સરકારમાં ઠગબાજીના એક બાદ એક ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ દાહોદમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરાયું…
ADVERTISEMENT
Morbi News: ગુજરાતમાં સરકારમાં ઠગબાજીના એક બાદ એક ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ દાહોદમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું હતું, ત્યાં હવે આખું નકલી ટોલનાકું સામે આવ્યું છે. મોરબીના વાંકાનેરમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. આટલા સમયથી વાહન ચાલકો પાસેથી ઊઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન જ આ નકલી ટોલનાકું ચાલવતો હોવાનો આરોપ લાગ્યો છે.
બંધ ફેક્ટરીમાં રસ્તો બનાવી ટોલનાકું ઊભું કર્યું
વિગતો મુજબ, મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ચાલતું હોવાના આરોપ સાથે વીડિયો વાઈરલ થયો છે. વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે, પરંતુ વાહન ચાલકોને આ ટેક્સ મોંઘો પડતો હોવાથી પાસે જ બાયપાસ બનાવીને બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાખવામાં આવ્યું. આરોપ છે કે, દોઢ વર્ષથી વાહન ચાલકો પાસેથી કરોડોની ઉઘરાણી કરવામાં આવી છે. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલાય છે.
રજૂઆત કરવા છતાં ન લેવાયા કોઈ પગલા
આ મામલે વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સિરામિક યુનિટના માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ પગલા જ લેવામાં આવ્યા નથી. જેના કારણે બેરોકટોક નકલી ટોલનાકું ધમધમી રહ્યું છે. આરોપ છે કે વઘાસિયા ગામના જ નિવૃત્ત આર્મીમેન અને કેટલાક માથા ભારે લોકો દ્વારા આ ટોલનાકું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું તંત્ર રજૂઆત કરવા છતાં કેમ પગલા નથી ભરી રહ્યું, કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે ટોલનાકું ચાલી રહ્યું છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT