ઘી અને પનીર બાદ હવે દવાઓ પણ નકલી, અમદાવાદમાંથી પકડાયો નકલી એન્ટીબાયોટિક્સનો મોટો જથ્થો
Ahmedabad News: રાજ્યમાં તહેવારના સમયે જ એકબાજુ મોટા પ્રમાણમાં નકલી અને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો મળી રહ્યા છે. આ વચ્ચે હવે નકલી દવાઓનો પણ જથ્થો મળી…
ADVERTISEMENT
Ahmedabad News: રાજ્યમાં તહેવારના સમયે જ એકબાજુ મોટા પ્રમાણમાં નકલી અને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો મળી રહ્યા છે. આ વચ્ચે હવે નકલી દવાઓનો પણ જથ્થો મળી આવ્યો છે. અમદાવાદમાંથી જીવનરક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ.17.5 લાખની કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે.
દવાના બોક્સ પર હિમાચલ પ્રદેશનું ખોટું એડ્રેસ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમી આધારે સફળ રેડ કરીને ખાડીયા વિસ્તારમાં રહેતા ખિમારામ કુમ્હાર પાસેથી POSMOX CV 625 દવાનો કુલ 99 બોક્ષ અંદાજે રૂ.2,61,250નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેની પ્રાથમિક તપાસ કરતા તે બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. આ દવાઓની પ્રાથમિક તપાસમાં તેનો ઉત્પાદક M/s. DG Pharmaceuticals, Baddi, Himachal Pradesh હોવાનું જાણવા મળ્યુ હતું,જે બાબતે ડ્રગ કંટ્રોલર, હિમાચલ પ્રદેશ સાથે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પૃચ્છા કરતા આવી કોઇ ઉત્પાદક પેઢી અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું છે.
ક્યાંથી આવી નકલી દવાઓ?
ખિમારામની સઘન પૂછપરછ કરતા તેણે આ દવાનો જથ્થો વટાવામાં રહેતા અરુણકુમાર અમેરા નામના વ્યકિત પાસેથી ખરીદો હતો. અધિકારીઓ દ્વારા અરુણકુમારની પુછપરછ કરતા તેણે દવાનો જથ્થો ઈસનપુરમાં વિપુલ દેગડા નામના વ્યકિત પાસેથી ખરીદો હતો. તેના રહેઠાણ પર ઔષધ નિરીક્ષક દ્વારા તપાસ કરતા વિપુલ દેગડા પાસેથી જુદી જુદી 5 (પાંચ) બનાવટી એન્ટીબાયોટીક દવાઓ મળી આવેલી, જેની કુલ કિંમત રૂપિયા 4,83,300 થવા જાય છે તે જપ્ત કરેલ છે. વિપુલ દેગડા આ દવાઓ નવરંગપુરામાં રહેતા દર્શનકુમાર વ્યાસ પાસેથી વગર બીલે મેળવતો. હાલમાં દર્શન વ્યાસની તપાસ ચાલું છે.
ADVERTISEMENT
ડોક્ટર અને મેડિકલ સ્ટોર્સમાં દવાઓ આપી
વિપુલ દેગડાના મોબાઇલની તપાસ કરતા તેણે આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ રાજ્યના જુદા જુદા શહેરોમાં ડોકટરોને તથા વિવિધ મેડીકલ સ્ટોર્સમાં વગર બીલે સપ્લાય કરી હોવાનું બહાર આવ્યું છે. આથી રાજયના વિવિધ શહેરો નડિયાદ, સુરત, દાણીલીમડા, સરખેજ, રાજકોટમાં દરોડા પાડી આશરે રૂપિયા 10.50 લાખનો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો જપ્ત કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન, 1940ની કલમ-18 (C) અને તે અન્વયેના નિયમોના ભંગ બદલ આ ઇસમો સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે.
આરોપીઓની પોલીસે કરી અટકાયત
આ વ્યકિતઓ પૈકી અમુક બેનામી કંપનીઓના મેડીકલ રીપ્રેઝેન્ટેટીવ તરીકે કામ કરી આ બનાવટી એન્ટીબાયોટીક દવાઓ ડોકટરોને પહોંચાડતા હતા. પરંતુ આ વ્યકિતઓ દ્વારા વધુ માહિતી ન આપતા તેમની અટકાયત કરી તેમને ઇસનપુર પોલીસ સ્ટેશનને સોંપીને તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. આ દવાઓ જીવન રક્ષક તેમજ ગંભીર રોગના ઉપચાર માટે વપરાતી હોઇ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT