દારૂ નહીં પાણીમાં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ મિક્સ કરીને પીવાથી મોત! લઠ્ઠાકાંડ પર શું બોલ્યા DGP આશિષ ભાટીયા
બરવાળાથી શરૂ થયેલ કથિત લઠ્ઠાકાંડ જાણે કે ફટાકડાની લૂમ ફુટી હોય તે પ્રકારે જોતજોતામાં ગુજરાતનાં 3 જિલ્લાઓમાં ફેલાઇ ગયો હતો. ઝેરી દારૂ પીવાની ઘટનામાં અત્યાર…
ADVERTISEMENT
બરવાળાથી શરૂ થયેલ કથિત લઠ્ઠાકાંડ જાણે કે ફટાકડાની લૂમ ફુટી હોય તે પ્રકારે જોતજોતામાં ગુજરાતનાં 3 જિલ્લાઓમાં ફેલાઇ ગયો હતો. ઝેરી દારૂ પીવાની ઘટનામાં અત્યાર સુધીમાં 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 51થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
DGP આશિષ ભાટિયાએ કહ્યું કે, આ કેસની તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તથા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇઝનિંગ અંગે ફરિયાદ દાખલ તરી પોલીસે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.
ગઇકાલ સવારથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉછડી, અણીયાળી વગેરે ગામોમાંથી શંકાસ્પદ મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ધંધુકાની બાજુમાં આવેલ બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં પણ આવા અન્ય બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ વિશે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતાં પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ ઝેરી કેમિકલની અસરથી થયેલ હોવાનું જણાયેલ છે. હાલ સુધીમાં કુલ 30 લોકોના મૃત્યુ થયેલા હોવાનું જાણવા મળ્યું છે અને કુલ 51 લોકો ભાવનગર તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
આ પૈકી અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં 6ના મૃત્યુ થયા છે અને બોટાદ જીલ્લામાં 22 મૃત્યુ થયેલા છે અન્ય 2 મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બનાવો સંદર્ભે હાલ સુધી 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, જેમાં બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં કુલ-14 આરોપીઓ સામે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, તેમજ બોટાદ જીલ્લાના રાણપુર ખાત 11- આરોપીઓ સામે એક ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા પોલીસ સ્ટેશનમાં કુલ-5 અકસ્માતે મોતના બનાવો દાખલ કરવામાં આવેલા છે. જેની તપાસ ચાલી રહેલી છે અને જો તેમાં પણ મૃત્યુ ઝેરી કેમિકલની અસરથી થયેલ હોવાનું જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આ બનાવો સંદર્ભ મુખ્ય આરોપી સહિત કુલ-6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.
આ બનાવોની તપાસમાં સ્થાનિક જીલ્લાની પોલીસ ઉપરાંત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ જોડાયેલી છે. હાલમાં તપાસ ટીમ દ્વારા મોટા ભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ – પુછપરછની કાર્યવાહી ચાલુ છે. આ બનાવની તપાસમાં હાલ સુધી આ બનાવો ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી બનેલ હોવાનું જાણવા મળેલું છે. આ બનાવના 24 કલાકની અંદર જ આ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહીનું એફ.એસ.એલ ગાંધીનગર દ્વારા પૃથ્થકરણ કરતાં તેમાં કુલ 68.71 તથા 68.29 ટકા મિથાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું શોધાયેલ છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમની મેડીકલ ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંદર્ભે એફ.એસ.એલ.ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ છે. આ બનાવમાં સામેલ તમામ આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવશે અને તમામ જવાબદાર વિરૂધ્ધ કડક કાર્યવાહીના પગલા લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT