જૂનાગઢમાં પતિ-પત્નીનું રહસ્યમયી મોત, પોલીસે દરવાજો તોડતા 2 વર્ષનું બાળક લાશ જોડે બેસીને રડી રહ્યું હતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: કેશોદના જુના ગામતળ વિસ્તારમાં આવેલા જવાહર ચોક પાસે રહેણાંક મકાનમાં ગતરાત્રે કોઈપણ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં દરવાજો બંધ કરી બંન્નેએ બે વર્ષનાં બાળકની સામે જ મોતને વ્હાલું કર્યું હતું. કેશોદના કપીલભારથી બાપુ પાસે દંપતી પચ્ચીસેક દિવસ પહેલાં આવ્યું હતુ અને મકાન ભાડે રાખીને રહેતું હતું. દંપતીની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે માનવતાની રુએ મકાન માલિકે તેમને મફત ઘર આપ્યું હતું. તદ્ ઉપરાંત આડોસી પાડોશીને ભલામણ કરી મદદરૂપ થવા કહેલ હતું.

પતિ-પત્નીનો આગલી રાત્રે જ ઝઘડો થયો હતો
આજે સવારે ઘરમાંથી ચહલપહલ જોવા ન મળતા પાડોશીએ મકાન માલિકને જાણ કરી હતી. જેથી તેમણે દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો હતો પણ તે ખુલ્યો નહીં. જોકે તિરાડમાંથી અંદર નજર કરતા અંદર માલસામાન વેરવિખેર પડેલો હતો અને દંપતી શંકાસ્પદ હાલતમાં પડ્યું હતું. જેથી કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કેશોદ પોલીસ વિભાગનાં ડીવાયએસપી બી.સી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી કોળી સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પતિ-પત્નીએ પ્રેમ લગ્ન કર્યા હતાં અને દોલતપરા જુનાગઢનાં રહીશ છે. યુવાનનું નામ અમૃતભાઈ સીગરખીયા અને યુવતીનું નામ પુજા હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસ દ્વારા દરવાજો તોડી તપાસ કરતાં દંપતી મૃત્યુ પામ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર પડેલ હતો. જેમાં બ્લેડ અને ઝેરી પદાર્થનાં પાઉચ મળી આવ્યાં છે. જ્યારે બાળક મૃતદેહની બાજુમાં બેસીને રડી રહ્યું હતું.

પોલીસે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી
કેશોદ પોલીસ દ્વારા દંપતીનાં મૃતદેહ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. કેશોદના જુના ગામતળ વિસ્તારમાં બનેલી ઘટનાથી આસપાસના રહીશો એકઠાં થઈ ગયાં હતાં. મેડિકલ ઓફિસર દ્વારા પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણી શકાશે અને દંપતી આર્થિક સંકડામણના કારણે કે અન્ય પારિવારિક સમસ્યાઓને કારણે મોતને વ્હાલું કર્યું છે એ પોલીસ તપાસમાં બહાર આવશે. કેશોદ પોલીસ દ્વારા મૃતક પતિ-પત્નીનાં સંબંધિતોને જાણ કરી છે તેઓનાં આવ્યાં બાદ આગળ તપાસ હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT