AMCમાં પણ અદાણી પ્રેમ? અદાણી ગેસને ટેન્ડર ન લાગતા કરોડોની આખી યોજના જ ટલ્લે ચડાવી દેવાઈ!
અમદાવાદ: અમદાવાદમાં વિપક્ષ દ્વાદા મ્યુનિ. કોર્પોરેશન વિરુદ્ધ આક્ષેપ કરાયો છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં 300 ટીપીડી કેપેસીટીનો બાયો સીએનજી…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદમાં વિપક્ષ દ્વાદા મ્યુનિ. કોર્પોરેશન વિરુદ્ધ આક્ષેપ કરાયો છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં 300 ટીપીડી કેપેસીટીનો બાયો સીએનજી પ્લાન્ટ બનાવવા માટે ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 300 ટીપીડી કેપેસીટીનો બાયો સીએનજી પ્લાન્ટ બનાવીને પીપીપી ધોરણે ચલાવવા આપવા માટેનું ટેન્ડર હતુ. જેમાં પિરાણા ખાતે 14 એકર જમીનની ફાળવણી કરીને પ્લાન્ટ ઉભો કરવાની અને દૈનિક 300 મેટ્રીક ટન વેસ્ટ પ્રોસેસ કરી બાયોસીએનજી બનાવવાની કામગીરી કરવાની હતી. જેમાં ત્રણ કંપની 1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી., 2. અદાણી ટોટલ ગેસ લી. અને 3. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. ટેન્ડર ભર્યા હતા. આ ટેન્ડરના ટેકનીકલ ઇવેલ્યુશનમાં દરેક કંપનીએ ક્વોલીફાઇવ થવા માટે 70 માર્કસ મેળવવા અનિવાર્ય કરવામાં આવ્યા હતા.
વિપક્ષ નેતાએ શું આક્ષેપ કર્યા?
વિપક્ષ નેતા શહઝાદ ખાન પઠાણનો આક્ષેપ છે કે, અદાણી ટોટલ ગેસ લી. અને સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી.ને 70 માર્કસ મળ્યા ન હતા જેથી અમદાવાદ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી. નામની એજન્સીને કામગીરી સોંપવાની દરખાસ્ત મૂકાઇ હતી જેમાં આ કંપની દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને માસિક રુ.14.51 લાખની રોયલ્ટી ચૂકવવામાં આવશે તેવું નક્કી હતુ. પણ આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીએ કમિશનર તરફ પરત મોકલી દીધી હતી. આમ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ પણ માત્રને માત્ર આ ટેન્ડરમાં અદાણી ટોટલ ગેસ લિ.ને ટેન્ડર ન લાગતાં આખી દરખાસ્ત જ અભરાઇએ ચડાવી દેવાઇ હતી.
અમદાવાદમાં ઈન્દોર જેવો બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનો હતો
આ દરખાસ્તમાં જણાવ્યા મુજબ, તા.19 ફેબ્રુઆરી 2022ના રોજ ઇન્દોર ખાતે એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂર્હુત કરાયું હતુ. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા તા.2 માર્ચ 2022ના રોજ થયેલી રિવ્યુ બેઠકમાં ઇન્દોર જેવો પ્લાન્ટ અમદાવાદમાં બનાવવા જણાવવામાં આવ્યું હતુ. જેમાં બે વાર ટેન્ડર કરાયા હતા પણ કોઇ બીડ આવી ન હતી. ત્રીજી વાર તા.18 જુલાઇ 2022ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ઓનલાઇન બીડ સ્વીકારવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2022 અને હાર્ડકોપી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.24 ઓગસ્ટ 2022 હતી. ત્રણ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા.
ADVERTISEMENT
વધુ માર્ક્સ મેળવનારી એજન્સીને જ ન મળ્યું ટેન્ડર
દરખાસ્તમાં જણાવ્યા મુજબ, 1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી., 2. અદાણી ટોટલ ગેસ લી. અને 3. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી: ટેન્ડર ભર્યા હતા. આ ત્રણેય કંપનીઓના ટેન્ડરનું કન્સલટન્ટ ફેસીલ મેવન પ્રા.લિ. દ્વારા ટેકનીકલ ઇવેલ્યુશન કરવામાં આવ્યું હતુ. જેમાં 1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી.ના ટેન્ડરનું ટેકનીકલ ઇવેલ્યુશન કરતાં તેમણે 80 માર્કસ મેળવ્યા હતા. જ્યારે અદાણી ટોટલ ગેસ લિ. દ્વારા સબમીટ કરવામાં આવેલા ડોક્યુમેન્ટના આધારે તેઓની પાસે કોઇ અનુભવ નથી. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લિ. પાસે પણ કોઇ અનુભવ નથી. ત્રણેય કંપનીઓ પાસે પ્રેઝન્ટેશન હતુ. ટેક્નિકલી ઇવેલ્યુશનના ક્રાઇટએરિયા મુજબ, દરેક એજન્સીએ ક્વોલીફાઇવ થવા માટે ઓછામાં ઓછા 70 ટકા ગુણ મેળવવા આવશ્યક હતા. જેથી ટેકનિકલ ઇવલ્યુશનમાં ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લિ.ને ટેન્ડર આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટીએ દરખાસ્તને મંજુર કરવાને બદલે કમિશનર તરફ પરત મોકલી દીધી હતી.
14 એકર જમીનમાં બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનો હતો
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા અમદાવાદ શહેરની પિરાણાની 14 એકર જમીનમાં વેસ્ટમાંથી બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું હતુ પણ ટેન્ડરમાં અદાણી ટોટલ ગેસ લિ. નામની કંપનીની ક્વોલીફાઇવ થઇ ન હતી અને તેઓને ટેન્ડર લાગ્યું ન હતુ. જેથી અન્ય કંપની ફર્સ્ટ લોએસ્ટ આવતાં આખી દરખાસ્ત જ અભરાઇએ ચડાવી દેવાઇ હતી. સ્ટેન્ડીંગ કમિટીએ ગત ઓક્ટોબર 2022માં બાયો સીએનજી બનાવવાનો પ્લાન્ટ નાખવાની દરખાસ્ત કમિશનરને પરત મોકલી દીધી છે, હાલ તો કચરામાંથી બાયોસીએનજી બનાવવાનો પ્લાન્ટ ઉભો કરવાનો પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયો છે. આમ, કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા પછી પણ કેમ આ દરખાસ્તને અભરાઇએ ચડાવી દેવાઇ હતી કારણ એટલું હતુ કે, અદાણી ટોટલ ગેસ લિ.ને આ ટેન્ડર લાગ્યું ન હતું. આ અદાણી ટોટલ ગેસ લિ. કંપની ક્વોલીફાઇવ થઇ ન હતી. જો અદાણી ટોટલ ગેસ લિ. કંપની ક્વોલીફાઇવ થઇ હોત અને ટેન્ડર લાગ્યું હોત તો મંજુર કરી દેવામાં આવ્યું હોત.
ADVERTISEMENT
અદાણી માટે કોઈને ટેન્ડર ન અપાયું?
અમારો આરોપ છે કે, હવે પિરાણા ખાતે બાયોસીએનજી બનાવવા માટેનું નવું ટેન્ડર બનાવવામાં આવી રહ્યું છે. જેમાં જાણીજોઇને અનુભવની શરતને ઉડાડી દેવામાં આવશે જેથી અદાણી ટોટલ ગેસ લિ. નામની કંપની ક્વોલીફાઇ થઇ શકે. આ કંપની ક્વોલીફાઈ થશે એટલે તેઓને આ પ્લાન્ટ બનાવવાનું ટેન્ડર આપી દેવાશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોને પિરાણા ડમ્પ સાઇટ ઉપર કચરો પ્રોસેસ કરીને બાયો સીએનજી ગેસ બનાવવામાં આવે તેમાં જરાય રસ નથી. માત્ર આ કોન્ટ્રાક્ટ કેવી રીતે અદાણી ટોટલ ગેસ લિ.ને આપવામાં આવે તેમાં રસ છે. જો એવું ન હોય તો કોઇપણ કારણ વિના બાયોસીએનજી ગેસ બનાવવાની દરખાસ્તને પરત કેમ કરી દેવાઇ તે મોટો સવાલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT