મુખ્યમંત્રી વાયદો નિભાવવા આજે નર્મદા જિલ્લાના સાગબારા ગામે જશે, શિક્ષકના ઘરે કરશે રાત્રિરોકાણ
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનો વાયદો નિભાવવા માટે આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની મુલાકાતે આવશે. તાજેતરમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનો વાયદો નિભાવવા માટે આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની મુલાકાતે આવશે. તાજેતરમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ ગામની સરકારી શાળામાં આવવાના હતા. પરંતુ તે વખતે બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનેક સમસ્યાઓ ઉભી થતા તેમનો કાર્યક્રમ રદ થયો હતો. પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના જાવલી ગામ આવવાનો પોતાનો વાયદો નિભાવતા તેઓ ફરી આવી રહ્યા છે. સાગબારા તાલુકાના જાવલી ગામમાં આજે સાંજે આવી જશે. તેઓ આવીને સાગબારા ખાતે શિક્ષક અરવિંદભાઈ કરમાભાઈ વળવીના ઘરે રાત્રિ રોકાણ કરશે. સાથે સાથે તેઓ જાવલી ગામની ગ્રામસભામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ગામના મંદિરમાં હનુમાનજીની આરતી કરશે
આ ઉપરાંત તેઓ હનુમાન મંદિરે પણ આરતી કરે તેવું આયોજન થઈ રહ્યું છે. બીજા દિવસે સવારે તેઓ ગામમાં વડીલો-ગ્રામજનો સાથે ચર્ચા કરશે અને બાદમાં ગામની સ્કૂલની પણ મુલાકાત લે તેવું આયોજન છે. આ બાદ તેઓ તાપી જવા નીકળી જશે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો નર્મદા જિલ્લામાં છેવાડાના જાવલી ગામે રાત્રી રોકાણનો કાર્યક્રમ હોવાના કારણે જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. મોડી રાત સુધી જિલ્લા કલેકટરથી લઈને તમામ અધિકારીઓ સાગબારા તાલુકાના નાનકડા જાવલી ગામમાં દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી સ્થાનિક ગ્રામજનના ઘરે પણ રાત્રિ રોકાણ કરવાના હોવાથી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી પહેલા CMની મુલાકાત મહત્વપૂર્ણ
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની આ મુલાકાત અનેક રીતે સૂચક છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો મનાય છે અને તેમની લોકપ્રિયતા અહીં વધારે છે. આદિવાસી સમાજમાં AAPનો દબદબો વધ્યો છે, તેનો ઓછો કરવા માટે આ ભાજપનો પ્રયાસ કહી શકાય. ભરૂચ લોકસભા સીટ પર સામાન્ય રીતે વસાવા સમાજનું વર્ચસ્વ છે. 6 ટર્મથી અહીં મનસુખ વસાવા જીતે છે, જોકે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં AAPએ અહીં ગાબડું પાડ્યું છે. એવી પણ ચર્ચા છે કે લોકસભા ચૂંટણીમાં AAPના ચૈતર વસાવા અહીંથી ઉમેદવારી નોંધાવી શકે છે, એવામાં ભાજપ પર તેની અસર થઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રીની આ મુલાકાતથી ભાજપનો પ્રયાસ ફરી લોકસભાની ચૂંટણીમાં આદિવાસીઓને પોતાના તરફ કરવાનો હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT