કબૂતરબાજોની હવે ખેર નહીંઃ અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં CID ક્રાઈમના દરોડા, તપાસ શરૂ
CID Crime Raids: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદેશ જવા માટે વિઝા અને વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે.…
ADVERTISEMENT
CID Crime Raids: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદેશ જવા માટે વિઝા અને વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે હવે લોકોના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે ચડ્યું છે. CID ક્રાઈમની 17 જેટલી ટીમોએ એકસાથે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે, તેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ખોટા ડોક્યુમેન્ટ મળી આવનાર વિઝા કન્સલ્ટન્સી સામે ગુનો નોંધવામાં આવશે.
CID ક્રાઈમ એક્શન મોડમાં
રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વિઝા મેળવવા માટેની પ્રોસેસ કરતા ઘણા લોકોની વિગતો તપાસ એજન્સી પાસે આવતા CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન એક્ટિવ મોડમાં આવ્યા છે. તેમણે એક સાથે 17 જેટલી ટીમો બનાવીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં દરોડા પાડ્યા છે.
17 ટીમોએ શરૂ કરી તપાસ
CID ક્રાઈમના એડિશનલ ડીજીપી દ્વારા બનાવવામાં આવેલી ટીમોમાં 50થી વધુ પોલીસ કર્મચારીઓ પણ છે, તો કોમ્પ્યુટરના નિષ્ણાંતોનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમો દ્વારા વડોદરાના માઈગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાની સાથે-સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઈમિગ્રેશનનું કામ કરતી સંસ્થાઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કબૂતરબાજોમાં ફફડાટ
CID ક્રાઈમ દ્વારા એકસાથે અનેક ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવતા કબૂતરબાજોમાં ફફડાટ ફેલાયો છે. તો CID ક્રાઈમની તપાસમાં મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકરી શકાય તેમ નથી.
(વિથ ઈનપુટઃ દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT
ADVERTISEMENT