નવસારીઃ નેતાની વફાદારી બદલાઈ, પહેલા કોંગ્રેસ માટે હતી, હવે ભાજપની થઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ ગુજરાત વિધાનસભામાં ફોર્મ ભરવાની આખરી તારીખ પણ જતી રહી છે જોકે છતા નેતાઓની ગુલાટ મારવાની સીઝન હજુ પણ ચાલુ છે. ગુજરાતની જનતાને જ્યારે પણ કોઈ નેતા પક્ષ સાથે જોડાય ત્યારે વફાદારીની વાતો કરતો હોય પરંતુ અચાનક ચૂંટણી ટાણે અથવા ચૂંટણી પછી પક્ષ પલટો કરવાનો થાય ત્યારે તે જનતાને ફરી બીજો વાયદો આપી નવા પક્ષ સાથે વફાદારીના સમ ખાઈ લેતો આપણે જોયો છે. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આવા પક્ષપલટુ કાર્યકરોથી માંડીને મોટા ગજાના નેતાઓ પણ આપણે જોયા છે. નવસારીમાં આવું જ કાંઈક બન્યું છે. નવસારીમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ચંદુ જાદવે હવે કોંગ્રેસનો પાલવ મુકીને ભાજપનો જભ્ભો પકડ્યો છે.

પંચાયત વિપક્ષનેતાની ગુલાટ
નવસારીના રાજકારણની વાત કરીએ તો અહીં ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે કાંટાની ટક્કર છે. આ વખતે બંને પક્ષો જ્યારે મતદારોને રીઝવવામાં લાગ્યા છે ત્યાં સાથે જ ક્યાં બીજા પક્ષમાં ગાબડું પાડી શકાય તેના પણ ગણિત મંડાયા છે. ભાજપે આ વખતે કોંગ્રેસ પર મોટો ઘા કરી દીધો છે. ભાજપ દ્વારા નવસારી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ચંદુ જાદવની જ વિકેટ લઈ લેવામાં આવી છે. મતલબ કે ચંદુ જાદવે હવે કોંગ્રેસ છોડી દીધી છે અને ભાજપમાં પ્રવેશ લઈ લીધો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે તેમને ભાજપનો ખેસ પહેરાવી તેમને ભાજપમાં પ્રવેશ આપ્યો છે. ચંદુ જાદવ જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જે તે સમયે તેમને તે ચૂંટણીમાં વિશ્વાસ મુકીને ટિકિટ આપી હતી. હવે તેઓની વફાદારી બદલાઈ છે તેઓ હવે કોંગ્રેસના વફાદાર નહીં પરંતુ ભાજપના વફાદાર કહેવાશે. અહીં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ત્રણ બેઠકો હતી જેમાંથી હવે બે જ રહી ગઈ છે. ભાજપે જિલ્લા પંચાયત બેઠકના સભ્યને જ પોતાની તરફ કરી દીધા અને કોંગ્રેસ સામે સ્થાનિક કક્ષાએ મોટો ખેલ ખેલાઈ ગયો છે.

(વીથ ઈનપુટઃ રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT