30 મિનિટના વરસાદે AMCની પોલ ખોલી, ભુવામાં આખી કાર ગરકાવ, સરસપુરમાં ઝાડ પડતા એકનું મોત
અમદાવાદ: શુક્રવારે અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીને પગલે મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માંડ 30 મિનિટ પડેલા વરસાદે ફરી એકવાર AMCની પ્રીમોન્સૂન…
ADVERTISEMENT
અમદાવાદ: શુક્રવારે અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીને પગલે મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માંડ 30 મિનિટ પડેલા વરસાદે ફરી એકવાર AMCની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. સામાન્ય વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. તો ભારે પવન ફૂંકાતા ઠેર ઠેર ઝાડ પડવાની પણ ઘટનાઓ સામે આવી હતી. ત્યારે સરસપુરમાં રીક્ષા પર ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
પૂર્વ વિસ્તારમાં ઉઠી પાણી ભરાવાની ફરિયાદ
અમદાવાદમાં શુક્રવારે વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં AMCનો પ્રીમોન્સૂન એક્શન પ્લાન ધોવાઈ ગયો હતો. વરસાદને પગલે મણીનગર અને ભાઈપુરા વિસ્તારમાં સોસાયટી બહાર પાણી ભરાવાની ફરિયાદો ઉઠી હતી. તો શહેરમાં 50થી વધુ જગ્યાઓ પર ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી. સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાસે RCC જવાના રોડ પર ભુવો પડ્યો હતો, જેમાં આખે આખી કાર ગરકાવ થઈ ગઈ હતી. જોકે ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.
સરસપુરમાં ઝાડ પડતા 50 વર્ષના વ્યક્તિનું મોત
તો બીજી તરફ સરસપુર વિસ્તારમાં એક તોતિંગ ઝાડ વાવાઝોડામાં ધરાશાયી થયું હતું. જેમાં રીક્ષા પાસે ઊભેલા એક વ્યક્તિ પર આ ઝાડ પડતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો મણીનગર વિસ્તારમાં શાળાની દિવાલ ધરાશાયી થતા કારને નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT