તંત્રના પાપે તમારા બાળકનો ભોગ ના લેવાય જોજોઃ બોરસદમાં બની કરુણ ઘટના
હેતાલી શાહ.આણંદઃ બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલી સ્ટોર્મ વોટર ડ્રેઇન લાઈનમાં જાળી લગાવેલી નહીં હોવાથી ભોભાફળી વિસ્તારમાં 9 વર્ષનો બાળક અલીસા…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે આવેલી સ્ટોર્મ વોટર ડ્રેઇન લાઈનમાં જાળી લગાવેલી નહીં હોવાથી ભોભાફળી વિસ્તારમાં 9 વર્ષનો બાળક અલીસા દિવાન પાણીમાં તણાયો હતો. વરસાદી પાણીનુ વહેણ એટલુ વધારે હતુ કે બાળક જોતજોતામા કાંસમાં ખેંચાઈ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, સ્ટોર્મ વોટર ડ્રેઇન પર જાળી લગાડેલી નહીં હોવાથી આ ઘટના બની હોઈ એક માસૂમ બાળકે જીવ ગુમાવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
પગ લપસ્યો અને બાળક…
આણંદ જિલ્લાના બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારના દિવાન વાડામાં રહેતો 9 વર્ષનો અલીશા દિવાન શાળામાંથી ઘરે આવ્યો હતો. દરમિયાન બોરસદમાં વરસેલા બે ઇંચ વરસાદના કારણે બોરસદના માર્ગો પર પાણી ભરાયા હતા. એવામાં બાળક ઘરે જમીને તે પરત શાળાએ જઈ રહ્યો હતો. ઘરથી થોડેક જ દૂર પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેઇન પસાર થઈ રહી હતી અને વરસાદ ચાલુ હોય પાણીનું વહેણ પણ ખૂબ હતું. એવામાં બાળકનો પગ લપસતા તે સ્ટોર્મ વોટર ડ્રેઇન લાઈનમાં પડ્યો અને જોત જોતામાં ડ્રેનેજ લાઈનના બંધ નાળાંમા તણાઈ ગયો. જે 200 મીટરનો હતો. બાળકને તણાતો જોતા તાત્કાલિક સ્થાનિકો બંધ નાળાના બીજા છેડે પહોંચ્યા. જ્યાં 200 મીટર દૂર આવેલા કાંસના નાળામાંથી બાળક બહાર નીકળતા જ સ્થાનિકોએ બાળકને પકડી લીધો અને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો. સમગ્ર ઘટનામાં પાલિકાની બેદરકારી સામે આવી છે, રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી આ લાઈનમાં જાળી મુકવા સ્થાનિક રહીશોએ વારંવાર અરજી કરી છે. છતાં પાલિકાએ જાળી લગાવવાની તસ્દી લીધી જ નહીં. જેને લઈ એક નિર્દોશ માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે.
તંત્રમાં કોના પાપે બાળક ગુમાવ્યું?
આ ઘટનામા તંત્રની બેદરકારી પણ સામે આવી છે. કારણ કે, ચોમાસા પહેલા જ પ્રિમોન્સૂન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે. જોકે તંત્ર દ્વારા આ કાંસમાં જાળી નાખવામાં આવી જ નહોતી, જેને લઈ બોરસદમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. કાંસના નાળામાં પાણીનું વહેણ પણ વધારે હતું. જેમા બાળક નાળા પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ ઘટના બનતા એક નવ વર્ષના બાળકનો જીવ જતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. સ્થાનિકો પણ છેલ્લા બે વર્ષથી રજૂઆત કરીને થાકી ગયા. પરંતુ પાલીકા પ્રશાસનની ઉંઘ ન ઉડી. જો પાલિકાએ પોતાની કામગીરી ચોક્કસાઈથી કરી હોત અને આ નાળા પર જાળી લગાવવામાં આવી હોત તો આ બાળકનો જીવ બચી શકયો હોત તે ચર્ચા પણ હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. આખરે તંત્રમાં આ કોનું પાપ ગણવું કે કોને જવાબદાર ગણવા કે જેના કારણે પરિવારે પોતાનું વ્હાલું બાળક ગુમાવ્યું?
ADVERTISEMENT
આ ઘટનામાં મહત્વની વાત એ છે કે, આ નાળામાં બે વર્ષ પહેલા જાળી લગાડેલી હતી. પરંતુ આખા ગામનું પાણી આ નાળામાંથી પસાર થતુ હોવાથી વરસાદનું પાણી સરળતાથી પસાર થતું નહોતું. જેને લઈ પાલિકાએ જાળી કાઢી લઈ સીમેન્ટનો નાળો બનાવ્યો હતો. અને બાદમાં જાળી નાખી જ નહીં. જેને લઈ સ્થાનિકોએ પાલીકા તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ રજુઆતની કોઈ અસર પાલીકા પર થઈ જ નહીં.
ADVERTISEMENT