ના સાંસદના માનીતા, ના ધારાસભ્યનાઃ આખરે આણંદ ભાજપમાં જુથબંધીને એકતરફ કરી નવા પ્રમુખની વરણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને આણંદ જિલ્લામાં નવા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવી. આણંદના નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ધર્મજના રાજેશ પટેલની વરણી કરાતા સંગઠનમાં પણ હવે ક્યાંક શાંતી થઈ હશે. કારણકે, પૂર્વ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલના સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ તથા આણંદના સાંસદ મિતેષ પટેલ વચ્ચે અવારનવાર રાજકીય મનમુટાવ હોવાનું રાજકીય ગલીયારોમાં ચર્ચાઈ રહ્યું હતું. જોકે હવે નવા જિલ્લા ભાજપ પ્રમુખ ન તો વિપુલ પટેલ જૂથના છે કે ન તો મિતેષ પટેલ જૂથના છે. જેને લઈ હવે સંગઠનના આંતરિક મનમુટાવનું સમાધાન કરવા વડાપ્રધાન, ગૃહ મંત્રી કે મુખ્યમંત્રીને હવે આવવું નહીં પડે તેવી શક્યતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી છે.

કોને હતી કોનાથી સમસ્યા?
આણંદ જિલ્લા પહેલા કોંગ્રેસનો ગઢ હતો અને આ ગઢ તોડવા માટે ભાજપનું હાઈકમાન્ડ ખૂબ જ પ્રયત્ન કરતું હતું. પરંતુ આણંદના ભાજપ સંગઠનમાં આપસી મનમુટાવને કારણે ભાજપને નિરાશા હાથ લાગતી હતી. પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમા આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં કોઈ જ મનમુટાવ ના થાય અને જો હોય તો સંગઠનના તમામ હોદેદારો, કાર્યકરો અને સભ્યોને ટકોર કરવા જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આવવું પડતું હતું. લોકોમાં ચર્ચાતી વાતો અનુસાર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આપસી મનમુટાવને કારણે બેઠકોના ઘટે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલે જ આણંદમાં ક્યારેય ન જીતી શકાય એવો કોંગ્રેસનો અજેય ગઢ બોરસદમા ભાજપે બાજી મારી અને આણંદમાં 7 માંથી 5 બેઠક પર ભાજપે જીત નોંધાવી હતી. આ સમય દરમ્યાન આણંદમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સોજીત્રાના વિપુલ પટેલ પદભાર સંભાળતા હતા. તેમની કામકરવાની શૈલીથી ક્યાંક આણંદના સાંસદ મિતેષ પટેલને સમસ્યા થતી હોવાનું ચર્ચાતુ હતું. તો ક્યાંક સાંસદ મિતેષ પટેલની દખલગીરીથી વિપુલ પટેલને સમસ્યા થતી હોવાનું ચર્ચાતું હતું. અનેક એવી રાજકીય ગતીવિધીથી આ વાતોને સમર્થન પણ મળતુ હતું. હવે ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. ભાજપની જ પ્રણાલી મુજબ એક વ્યક્તિ એક હોદ્દો મુજબ ધારાસભ્ય બન્યા બાદ પ્રમુખનું પદ વિપુલભાઈને છોડવુ પડે. ત્યારે આણંદ જિલ્લામાં સંગઠન પણ મજબૂત બને અને કોઈને તકલીફ પણ ન થાય તે માટે એવા પ્રમુખની શોધમાં મોવડી મંડળ લાગી ગયું હતું. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઘણા નામો ચર્ચાઈ રહ્યા હતા. જેમના દિપક સાથી, દિલીપ પટેલ સહિતના પાટીદારો નામ ચર્ચાતા હતા. લગભગ છ મહિના ઉપરાંતનો સમય આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કોને રાખવા તે અસમંજસ જોવા મળી. આખરે નિર્વિવાદીત પાટીદાર ચહેરા તરીકે ધર્મજના રાજેશ પટેલને પ્રમુખ પદનો ચાર્જ સોંપાયો. જોકે આમાં ભાજપે રાજેશ પટેલની વફાદારી પણ ધ્યાને લીધી હોય તેમ જોવા મળી રહ્યું છે. કારણકે વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમા પેટલાદ બેઠક પર રાજેશ પટેલ ભાજપ માથી ચૂંટણી લઢ્યા અને થોડા અંતરે ચૂંટણી હારી ગયા. તેમનુ ચૂંટણી હારવુ પણ ક્યાંક સંગઠનમા આંતરીક જૂથવાદ હતો. અને આ 2022 વિધાનસભાની ચૂંટણીમા પણ ફરી રાજેશ પટેલે પેટલાદ બેઠક પરથી ટીકીટ માંગી હતી. પરંતુ તેમને ટીકીટ ના મળી. તેમ છતાંય સંગઠનમા કામ કર્યુ. અને ક્યાંક એજ કામગીરી તેમને પ્રમુખ પદ સુધી લઈ ગઈ છે.

નીતિન પટેલની રાજકીય કારકિર્દીને લઈ સી આર પાટીલે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું આપ્યા સંકેત

રાજેશ ભાઈ પટેલ 1999 થી ભાજપમા સક્રિય છે. તેઓ આણંદ જિલ્લા ભાજપના સેક્રેટરી, તથા ઉપ પ્રમુખ પદ પર પણ રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્યના ભાજપના સેક્રેટરી, ભાજપ ટ્રેનીંગ સેલના કન્વીનર પદ સહિતના અનેક પદના કાર્યભાર સંભાળી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ 8 જેટલી બુકના ઓથર છે. જેમાની એક ધર્મજ પર લખેલી કોફી ટેબલ બુક ઓફ ધર્મજ, અને જીવન પથના પગથીયા ખૂબ લોકપ્રિય થઈ હતી. સ્વભાવે સરળ અને નિર્વિવાદીત પાટીદાર ચહેરા તરીકેની છબી ધરાવતા રાજેશ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે નિયુક્ત થતા હવે રાજકીય ગલીયારોમાંએ વાત ચર્ચાઈ રહી છે કે, શું વિવાદો ટાળવા, પાટીદારોનું પ્રભુત્વ જાળવવા અને લોકસભાની ચૂંટણીમાં કોઈ જૂથવાદ ન થાય તે માટે રાજેશ પટેલની ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે? શું રાજેશભાઈ પટેલ માટે પ્રમુખ તરીકે કામ અગ્નિપરીક્ષા સમાન બનશે કે, પછી પોતાનું એક અલગ વર્ચસ્વ અને વ્યક્તિત્વ સ્થાપિત કરે છે. તે જોવુ હવે દિલચસ્પ બની રહેશે. જોકે હવે નવુ સંગઠન પણ રચાશે અને એમાં કોનો સમાવેશ અને કોની બાદબાકી થાય છે તે ચર્ચા આણંદના રાજકીય વર્તુળમાં થઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT