આણંદમાં ભાજપ નેતાએ ‘કિરણ પટેલ’ સ્ટાઈલમાં લોકોને લૂંટ્યા, 24 કલાકમાં 80 લાખની છેતરપિંડીના બે કિસ્સા આવ્યા
હેતાલી શાહ/આણંદ: છેલ્લા ઘણા સમયથી ભાજપનો ખેસ પહેરી કે ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી અથવા તો ભાજપના કોઈપણ સેલના હોદ્દેદાર બની રોફ જમાડવાનો કિસ્સો પ્રકાશમાં…
ADVERTISEMENT
હેતાલી શાહ/આણંદ: છેલ્લા ઘણા સમયથી ભાજપનો ખેસ પહેરી કે ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવી અથવા તો ભાજપના કોઈપણ સેલના હોદ્દેદાર બની રોફ જમાડવાનો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. એવામાં આણંદ જિલ્લામાંથી આણંદના જિલ્લા ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુર શાહ દ્વારા છેતરપિંડી આચરવાનો કારસો પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસ પહેલા વડોદરાના એક વૃદ્ધની પુત્રવધુને સરકારી નોકરી આપવાના બહાને 25 લાખની છેતરપિંડી આચરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં કેયુર શાહ જામીન પર બહાર નીકળી ગયો. તેના બીજા જ દિવસે વધુ એક 55 લાખની છેતરપિંડીની અરજી કરવામા આવતા ચકચાર મચી છે. જોકે આ 55 લાખની છેતરપિંડી અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ભાજપના નેતાઓ સાથે ફોટો બતાવી છેતરપિંડી
આજકાલ ગુજરાતમાં ભાજપના નેતાઓના હોદ્દેદાર તરીકે પોતાને દર્શાવી લોકો સાથે છેતરપિંડી આચરવાનો કારસો વધી ગયો છે. અને આવા લોકોની જાળમાં જનતા પણ સરળતાથી ફસાઈ જાય છે. આ પ્રકારનો છેતરપિંડીનો કિસ્સો આણંદ જિલ્લાના બોરસદમાંથી સામે આવ્યો છે, કે જ્યાં ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુર શાહ દ્વારા પહેલા 25 લાખની છેતરપિંડીની ફરિયાદ અને ત્યારબાદ 55 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની અરજી કરવામા આવી છે.
સરકારી નોકરી અપાવવાના બહાને વૃદ્ધ પાસેથી 25 લાખ લીધા
કેયુર શાહ દ્વારા સૌ પ્રથમ છેતરપિંડી વડોદરાની મહિલા સાથે આચરવામાં આવી હોવાનું સામે આવ્યું. જેમાં વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં વિજયભાઈ દેવજીભાઈ પટેલ નામના વૃદ્ધ રહે છે. વર્ષ 2018માં તેમને બોરસદ શહેરના જૈન દેરાસર પાસે આવેલી સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતા કેયુરભાઈ પિયુષભાઈ શાહ સાથે પરિચય થયો હતો. જે પરિચય બાદમાં મિત્રતામાં પરિણમ્યો હતો. કેયુર શાહે ગાંધીનગરમાં તેમની ઘણી ઓળખાણ છે કોઈ પણ કામ હોય તો તે કરી આપીશ તેમ કહ્યું હતું. દરમિયાન, ભેજાબાજ કેયુરની વાતોમાં આવેલા વૃદ્ધે તેમની પુત્રવધુ બીકોમ, એમબીએ ભણેલી હોવાનું કહીને તેને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી. જોકે, આ પેટે તેણે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી.જોકે, તબક્કાવાર વિજયભાઈએ તેમની પાસેથી બચાવેલા તેમજ સગા-સંબંધીઓ પાસેથી માંગીને તેને પૈસા આપ્યા હતા. બીજી તરફ શખ્સે પોકર ગેમમાં પાર્ટનર બનાવીને તેની પાસેથી બીજા રૂપિયા 10 લાખ પડાવ્યા હતા. જોકે, આ વાતને ચાર વર્ષનો સમય થવા છતાં તેણે નોકરી પણ અપાવી નહોતી કે પછી બિઝનેસમાં પાર્ટનર પણ બનાવ્યા નહોતા.
ADVERTISEMENT
પૈસા માગતા આપી જાનથી મારી નાખવાની ધમકી
આમ, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા જ તેમણે તેની પાસે રૂપિયા 25 લાખ પરત માગ્યા હતા. જોકે, પૈસા પરત ન આપી નોકરીમાંથી ડિસમીસ કરવાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેને લઈને વૃદ્ધે બોરસદના કેયુર શાહ સામે ગુનો નોંધાવ્યો હતો. જેને લઈને બોરસદ પોલીસે કેયુર શાહની અટકાયત કરી હતી. જોકે ભેજાબાજ કેયુર શાહ ગણતરીના કલાકોમાં જામીન પર છૂટી ગયો હતો. પરંતુ આ ઠગે અનેક લોકોને છેતર્યા હોવાથી કેયુર જામીન પર છૂટયો અને ગણતરીના કલાકોમાં જ બીજી એક છેતરપીડીની અરજી તેની સામે કરવામાં આવી છે. જોકે હજી આ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ADVERTISEMENT
બોરસદના વેપારીએ પોલીસમાં અરજી આપી
જે બીજી છેતરપિંડીની અરજી સામે આવી છે તેમાં, બોરસદના વેરા સ્થિત શ્રી સહજાનંદ શરણમ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય સીવેન્દ્રકુમાર ભરતભાઈ પટેલે કેયુર શાહ સામે બોરસદ પોલીસમાં અરજી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે,” વર્ષ 2019 માં કેયુર શાહે ઉચ્ચ હોદ્દા ધરાવતા વ્યક્તિઓ સાથે પોતાના સંબંધો હોવાની મોટી મોટી વાતો કરી હતી. અને તેમની વાતોમાં આવી જઈ શિવેંદ્રકુમારે ગેસ સર્વિસ ફૂડ કોર્ટ અને પેટ્રોલિયમનો વેપાર કરવા અને કંપની એક્ટ હેઠળ રજીસ્ટર કરાવી ભાગીદારીમાં ધંધો કરવા માટે કેયુર શાહની વાતમાં આવી ગયા હતા. અને શિવેન્દ્રકુમાર તથા તેની પત્ની હેમલતાબેને ભાગીદારીમાં કેયુર શાહ જોડે મેમોરેન્ડમ પણ બનાવ્યું હતું. તે બાદ તેઓ બોદાલ ખાતે જમીન પણ ખરીદી હતી.
ADVERTISEMENT
ધંધા માટે 55 લાખ પડાવ્યા હતા
જેના બહાના પેટે ખેડૂતને રૂપિયા 21,000 પણ આપ્યા હતા. બાદમાં તેમણે કેયુરને રૂપિયા દસ લાખ આપ્યા હતા. તો ફૂડ કોર્ટ અને ગેસ સર્વિસના બાંધકામ અને તેના ફર્નિચર પેટે અલગ અલગ સમયે કેયુર શાહે રૂપિયા 55 લાખ પડાવ્યા હતા. જોકે તે બાદ કોરોનાનો સમય આવી જતા તેણે કોરોનાનું બહાનું આગળ ધરીને ધંધો શરૂ કર્યો નહીં. અને ગત વર્ષે આ દંપતિએ પૈસા પરત માગતા જ તેણે પોતાની ઓળખ ઉચ્ચ કક્ષાએ છે અને બોમ્બેથી ગુંડા બોલાવી તેને તેમજ તેના પરિવારને ખૂન કરી દેવાની ધમકીઓ આપી હતી. અને એક પણ પૈસા હજી સુધી પરત આપ્યા નથી.”
ભાજપના મોટા નેતાઓ સાથેની તસવીરો બતાવી લોકોને આંજી નાખતો
લોકોમાં થતી ચર્ચા અનુસાર કેયુર શાહ જ્યારે પણ કોઈને મળતો ત્યારે એવી વાતો કરતો કે લોકોને આંજી જ નાખતો હતો. એ પછી તે ભાજપ સહિત અન્ય પક્ષના ઉચ્ચ હોદા ધરાવતા વ્યક્તિઓ સાથે તેને ઘરોબો છે. અને મોટા રાજકીય મંત્રીઓ સાથે તેની ઉઠક-બેઠક છે. તેમ કહી નેતાઓ સાથેના તેમના ફોટા પણ બતાવતો હતો. તેના સોશ્યલ મીડિયા પર ભાજપના ઉચ્ચ નેતાઓ સાથેના ફોટો પણ અપલોડ કરેલા છે.
ભાજપમાં જ આરોપી સામે કચવાટ
કુખ્યાત ઠગ કિરણ પટેલની બરાબરી ધરાવતા બોરસદના કેયુર શાહ ઉર્ફે અવી સરકારના નામથી ઓળખાય છે. આ ઠગ ઘણા વર્ષોથી ભાજપના નામે ચરી ખાતો હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે. આણંદ જિલ્લામાં એક પણ ભાજપના કાર્યક્રમમાં તે કોઈ દિવસ હાજરી આપતો નથી. છતાં પણ જિલ્લા ભાજપ દ્વારા તેઓને યુવા મોરચામાં હોદ્દો આપવામાં આવ્યો છે. જેને લઈ પક્ષમાં જ કચવાટ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં ભાજપ સંગઠન દ્વારા આ શખસ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.
ADVERTISEMENT