ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

ADVERTISEMENT

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તસવીર
Harsh Sanghavi Image
social share
google news

Gandhinagar: ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે, જેમાં બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પસાર થતા અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે. ખાસ છે કે, હાલમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં પણ અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદો અમલમાં છે. ગુજરાત આ પ્રકારનો કાયદો બનાવનારું 7મું રાજ્ય બન્યું છે.

કેવા પ્રકારની બાબતનો ગુનાહીત કૃત્યમાં સમાવેશ?

શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદાની કલમ – 2 માં સ્પષ્ટતા કરી છે. 

  1. માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર-  પ્રસાર.
  2. ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારીને, મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી, અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વગેરે. 
  3. કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરવું અને તેના દ્વારા પૈસા કમાય તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવા. 
  4. દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીઝો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી. 
  5. અગમ્ય શક્તિનો પ્રભાવ છે કે આવી કોઈ શક્તિ છે તેવો  બીજાના મનમાં ભય પેદા કરવો. 
  6. કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે  રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા. 
  7. મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી  લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી. 
  8. કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી. 
  9. આંગળીઓ દ્વારા શસ્ત્રક્રિયા કરવાનો દાવો કરવો, અથવા સ્ત્રીના ગર્ભમાં રહેલા ગર્ભનું લિંગ બદલવાનો દાવો કરવો. 
  10. પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.
  11. અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.

ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ

ગુજરાતમાં બનેલી કેટલીક અંધશ્રદ્ધાની હ્રદય દ્રાવક ઘટનાઓ ગૃહ સમક્ષ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ભારતમાં જ નહિ, દુનિયાના તમામ દેશોમાં કોઇને કોઇ સ્વરૂપે અંધશ્રધ્ધા જોવા મળે છે. આનાથી કોઇ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. આઝાદીના 78 વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે. જેમ કે, 1) બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાંખવામાં આવી. 2) ગીર સોમનાથ જીલ્લામાં પોતાની 14 વર્ષની દિકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દિકરીને બે કલાક આગ પાસે ઉભી રાખી, બાદમાં દાજેલી દિકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભુખ્યા બાંધીને રાખી મોત નિપજાવવામાં આવ્યું. 3) અરવલ્લી જીલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી 70 વર્ષિય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી. 4) સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દિકરીની જીંદગી બરબાદ કરી નાંખી. આ ઉપરાંત ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપીયા પડાવી લેવામાં આવી હોવાની ઘટનાઓ પણ ધ્યાને આવી છે. 

ADVERTISEMENT

ગુનેગારોને કેટલી સજા અને દંડ હશે?

આ કાયદાની જોગવાઇના ભંગ બદલ સજાની જોગવાઇ કલમ-3 મુજબ ભંગ બદલ છ માસથી લઇને સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ હજારથી લઇને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયત્ન કરનારને આ કાયદા હેઠળ ગુનો આચર્યો હોવાનું માની લેવામાં આવશે અને તે મુજબ જ સજા કરવામાં આવશે. આ જ કલમ હેઠળ આ ગુનાને પોલીસ અધિકારનો અને બિન જામીનપાત્ર રહેશે તેવી જોગવાઇ કરી છે. એટલે કે પોલીસને આ ગુના હેઠળ આરોપીને અટક કરવા માટેની સીધી સત્તા આપવામાં આવી છે. 

આવા કેસમાં ઝડપી કાર્યવાહી અને સજા અપાવવાશે

  • આ કાયદાની કલમ-5 માં વિજીલન્સ ઓફીસરની નિયુક્તિની જોગવાઇ કરવામાં આવી છે, વિજીલન્સ ઓફીસર પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સંવર્ગના રહેશે.
  • વિજીલન્સ ઓફિસરે પોતાના અધિકારક્ષેત્રના વિસ્તારમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી તેના પર યોગ્ય અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશનને જરૂરી સલાહ, માર્ગદર્શન અને મદદ આપવાની રહેશે.
  • વિજીલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારને ત્રણ માસની કેદ અથવા 5 હજાર સુધીનાં દંડ સાથેની કેદની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેથી વિજીલન્સ ઓફિસર પોતાનું કાર્ય સારી રીતે અને ઝડપથી કરી શકે. 

કઈ-કઈ પ્રવૃત્તિઓ ગુનો નહીં ગણાય?

આ કાયદામાં કઈ-કઈ બાબતોનો સમાવેશ ગુનાહીત કૃત્યમાં થશે નહીં તેની સ્પષ્ટતા કલમ-12 માં કરવામાં આવી છે જેમાં 1) પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, તેમજ ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો 2) ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાની કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી. 3) તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહિ. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT