Bharuch News: પતિ-પત્નીના ઝઘડામાં પરિવારનો માળો વિખેરાયો! 10 વર્ષના માસુમે પણ જીવ ગુમાવ્યો
Bharuch Crime News: ભરૂચમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. જેમાં પત્નીએ ઘર કંકાશમાં આપઘાત કરી લેતા બાદમાં પતિએ પણ દીકરાની હત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું હતું. રેલવે કોલોનીમાં બનેલી આ ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી.
ADVERTISEMENT
Bharuch News: ભરુચ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આડા સબંધના વહેમના કારણે એક પરિવાર વિખેરાય ગયો છે. રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેમાં સારી પોસ્ટ પર નોકરી કરતા જતીન મકવાણા તેની પત્ની અને બાળકનું મોત થયુ છે. પત્નીએ ગળે ફાંસો ખાધો છે. 10 વર્ષના બાળકને ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા બાદ જતીન મકવાણાએ પણ ટ્રેન નીચે પડી આપઘાત કરી લીધો છે. બંને મૃતકના પરિજનો સવારમાં સૌરાષ્ટ્રથી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. બંનેએ એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપ કર્યા હતા.
માતા-પુત્રનો ઘરેથી, પતિનો રેલવે ટ્રેકથી મૃતદેહ મળ્યો
ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાંગનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ ઘરને બહારથી તાળુ મારી પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
આપઘાત પહેલા પિતા-મોટાભાઈને કર્યો મેસેજ
આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને અને મોટાભાઈને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેથી રાજકોટ રહેતા પરીવારે રેલવે પોલીસનો સંપર્ક સાધી ખાતરી કરવા જણાવ્યું હતું. દરમિયાન આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે. જતીનની પત્નિ તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હતા. જે બાબતે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.
ADVERTISEMENT
ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વ્હાલુ કરી લીધુ હતુ. પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રીસામણે ગયેલી પત્નીને 15 દિવસ પૂર્વે જતીન તેડી લાવ્યો હતો
15 વર્ષના લગ્ન જીવનમાં છેલ્લા ઘણા સમયથી જતીન અને તેની પત્ની તૃપલ વચ્ચે ઝઘડો ચાલતો હતો. છેલ્લા 6 મહિનાથી ઝઘડાનું સ્વરુપ વધ્યુ હતું. જેથી તૃપલ તેના પિતાના ઘરે જુનાગઢ રીસામણે ગઈ હતી. 15 દિવસ પૂર્વે પુત્ર વિહાનની શાળા શરુ થતી હોવાથી જતીન રિસામણે ગયેલી પત્નીને મનાવીને લઈ આવ્યો હતો. તેડવા આવેલા જમાઈનું અપમાન ન થાય અને એમને એમ જ પાછા ન મોકલાય તેવું વિચારીને તૃપલના પરિવારે જતીન સાથે તેને મોકલી આપી હતી.
ADVERTISEMENT
12 પાનાની નોટમાં છુપાયુ છે ઘટના પાછળનું કારણ
મકવાણા પરિવારના આપઘાત અને હત્યા પ્રકરણમાં પોલીસને ઘરમાંથી સુસાઈડ નોટ મળી છે. આ ઉપરાંત થોડા સમય પહેલા લખેલી 12 પેજની નોટ પણ પોલીસે કબ્જે કરી છે. જેમાં લગ્નેતર સંબંધનો પણ ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળ્યુ છે. આ રાજા શેખ નામનો વ્યક્તિ કોણ છે અને બંને વચ્ચે શું ઝઘડા ચાલી રહ્યા હતાં. તે બધી વિગત અને ઘટના પાછળનું રહસ્ય આ સુસાઈડ નોટ અને 12 પેજની નોટમાં છુપાયુ છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
(ગૌતમ ડોડિયા, ભરૂચ)
ADVERTISEMENT