ભરૂચમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા 3 સફાઈ કામદારો ગૂંગળાઈ મર્યા, 15 દિવસમાં ત્રીજી ઘટના
ભરૂચ: વિકસીત ગુજરાતમાં સફાઈ કામદારોની સ્થિતિમાં આજે પણ કંઈ સુધારો આવ્યો નથી. આજે પણ ગટરની સફાઈ કરવા માટે કોઈપણ સાધન વિના સફાઈ કામદારોને અંદર ઉતારવામાં…
ADVERTISEMENT
ભરૂચ: વિકસીત ગુજરાતમાં સફાઈ કામદારોની સ્થિતિમાં આજે પણ કંઈ સુધારો આવ્યો નથી. આજે પણ ગટરની સફાઈ કરવા માટે કોઈપણ સાધન વિના સફાઈ કામદારોને અંદર ઉતારવામાં આવે છે, જેના કારણે ગૂંગળાઈ જવાથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 15 દિવસમાં ભૂગર્ભ ગટર સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના મોતનો ત્રીજો મામલો સામે આવ્યો છે. ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે અંદર ઉતરેલા ચાર સફાઈકર્મીઓમાંથી 3ના ગૂંગળાઈ જવાથી કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક સફાઈ કર્મીને ઝેરી ગેસની અસર થઈ જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
4 શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા
વિગતો મુજબ, દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ચાર કામદારો એકબીજાનો હાથ પકડીને અંદર ઉતર્યા હતા. આ દરમિયાન ગટરમાં ઝેરી ગેસની અસરના પગલે 3 જેટલા સફાઈકર્મીઓ ગૂંગળામણથી મોતને ભેટ્યા હતા. મૃતકોમાં ગલસીંગભાઈ મુનિયા, પરેશ કટારા અને અનીફ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે વધુ એક સફાઈ કામદારને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ વલસાડ અને રાજકોટમાં સફાઈકર્મીઓના થયા મોત
નોંધનીય છે કે, ગુજરાતમાં 15 દિવસમાં આ પ્રકાર ભૂગર્ભ ગટરમાં ગૂંગળાઈ જવાથી મોતની ત્રીજી ઘટના બની છે. બે દિવસ પહેલા વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે રાજકોટમાં પણ થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી શ્રમિક અને કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT