અમદાવાદમાં ઢોર રાખવા માટે હવે લાઇસન્સ અને પરમીટ લેવી પડશે, AMCએ તૈયાર કરી નવી પોલિસી
અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. ઢોરના કારણે ક્યારેક રાહદારી તો ક્યારેક વાહન ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. ઢોરના કારણે ક્યારેક રાહદારી તો ક્યારેક વાહન ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા સામે નવી પોલિસી લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ હવે પશુ માલિકોએ ઢોર રાખવા માટે લાયસન્સ લેવું પડશે અને પશુને રાખવાની જગ્યા પણ નક્કી કરવાની રહેશે. ઉપરાંત નવા નિર્ણયમાં રખડતા પશુને છોડાવવા, ઘાસચારો રાખવા બદલના દંડની રકમમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.
3 વર્ષ માટે મળશે લાઇસન્સ અને પરમીટ
હાઈકોર્ટના આદેશ બાદ AMCએ તૈયાર કરેલી નવી પોલિસી મુજબ, વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા ઢોરનું લાઇસન્સ લેવાનું રહેશે. જ્યારે વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે. લાઇસન્સ અને પરમીટ માટે ચાર્જ રહેશે અને તે 3 વર્ષની મુદત માટે મળશે આ બાદ ફરીથી તે લેવાનું રહેશે. 3 વર્ષની લાઇસન્સ ફી રૂ.2000 અને પરમીટ માટે રૂ.500 ભરવાના રહેશે. જે દર 3 વર્ષે રિન્યુ કરવાના રહેશે.
પશુઓમાં RFID ટેગ ફરજિયાત લગાવવાનો રહેશે
AMCની નવી પોલિસી મુજબ પાંજરાપોળ અને ગૌશાળા તથા માન્ય સંસ્થાઓ લાઇસન્સ અને પરમીટ લેવાના રહેશે. જોકે તેમને ફીમાંથી મુક્તિ આપવામાં આવશે. પોલિસી લાગુ થયાના બે મહિનામાં RFID ટેગ લગાવવા ફરજિયાત રહેશે આ માટે પશુદીઠ રૂ.200નો ચાર્જ લેવામાં આવશે. પોલિસી લાગુ થયાના 4 મહિના બાદ પણ પશુને RFID ટેગ નહીં લગાવાય તો ઢોરને ડબ્બામાં પૂરવામાં આવશે અને માલિક વિરુદ્ધ ફરિયાદ થશે.
ADVERTISEMENT
શહેરમાં 96 હોટ સ્પોટની ઓળખ કરાઈ
નોંધનીય છે કે, AMC દ્વારા હાલ શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે હવે આગામી મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT