AMBAJI મંદિર 30 હજાર દિવાઓથી ઝળહળી ઉઠ્યું, સર્જાયો અલૌકિક નજારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી : યાત્રાધામ અંબાજી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઐતિહાસિક મહાઆરતીનો પાવન પર્વ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવ્ય મહાઆરતીમાં એટલા બધા દિવડાઓ પ્રગટાવાયા કે શરદ પુનમમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ત્રીસ હજાર કરતાં વધારે માઇભક્તોએ હાથમાં દીવડા પ્રગટાવી મહાઆરતીનો લહાવો લીધો હતો.

પીએમ મોદીનું સ્વપ્ન હતું કેઆવી ભવ્ય આરતી થાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરદોત્સવ નિમિતે અંબાજી ખાતે મહાઆરતી યોજવાનું સ્વપ્ન સેવ્યું હતું.શરદપુનમના પાવન પર્વ પ્રસંગે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ હતી. જેમાં ત્રીસ હજાર કરતાં વધુ શ્રધ્ધાળુ માઇભક્તોએ હાથમાં દીવડાઓ પ્રગટાવી માં અંબાની આરતી ઉતારી હતી. મહાઆરતી બાદ માઇ ભક્તો ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા.

અંબાજી ટ્રસ્ટ અને કલેક્ટર દ્વારા કરાયું આયોજન
આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું. શક્તિના ઉપાસક અને આરાધક લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને કરોડો લોકોના શ્રદ્ધા કેન્દ્રસમા શક્તિપીઠ અંબાજી ખાતે શરદપુનમના ઉત્સવને યાદગાર બનાવવા દર શરદ પૂનમના દિવસે માં અંબાની મહા આરતી થાય અને દરેક માઇભક્ત એમાં સહભાગી બની એનો લાભ લઇ શકે એ સ્વપ્ન સેવ્યું હતું.

ADVERTISEMENT

હજારો દિવડાઓથી ઝગમગી ઉઠ્યું અંબાજી મંદિર
જેના પરિણામ સ્વરૂપે ચાલુ વર્ષે આસોસુદ પૂનમને શરદ પુનમથી માં અંબાના મહાઆરતી મહાપર્વનો શુભારંભ થયો છે. શરદ પૂનમના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં ન ભૂતો ન ભવિષ્યતિ માં અંબા ની દિવ્ય અને ભવ્ય મહાઆરતી યોજાઈ હતી.જેમાં ત્રીસ હજાર કરતાં વધુ શ્રધ્ધાળુ માઇભક્તોએ માં અંબાની સામુહિક મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મહાઆરતીના ઐતિહાસિક પર્વ નિમિત્તે શરદોત્સવ દીપોત્સવ બન્યો હોય એવો અદભુત નજારો ચાચર ચોકમાં જોવા મળ્યો હતો. માં અંબાનો ચાચર ચોક એક સાથે ત્રીસ હજાર જેટલા દિવડાઓના ઝગમગાટથી દૈદીપ્યમાન થઈ ઉઠયો હતો.

અંબાજી મંદિર પરિસરમાં સર્જાયું અલૌકિક વાતાવરણ
સમગ્ર અંબાજી પરિસરમાં ધર્મમય માહોલ સર્જાયો હતો. જેમાં માઇભક્તો માં અંબાની મહાઆરતીમાં તલ્લીન બન્યા હતા. ચાચર ચોકમાં ગરબા ઘુમ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શરદપુનમના પાવન પર્વ નિમિત્તે માં અંબાના ચાચર ચોકમાં મહાઆરતીના પ્રસંગને આસ્થાનું પ્રતીક ગણાવી આ ઐતિહાસિક ક્ષણે માં અંબાના આશીર્વાદ સૌ માઇભક્તોને મળે અને તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ શક્તિસિંહ રાજપુત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT